સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
સુરતની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન એક વૃદ્ધ પતિએ તેની પત્ની પર એસિડ એટેક કરી પતિએ પણ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બન્નેને સારવારમાં ખસેડાયા હતા, પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ વૃદ્ધ દંપતી વિનોદ ભાનસાળી અને કૃષ્ણાબેન વચ્ચે છૂટાછેડા અને ખાધા-ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો.આ કેસની સુનાવણી માટે ગઈકાલે સુક્રવારે બંને પક્ષો કોર્ટમાં હાજર હતા. જ્યારે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી અને વકીલો પોતાની દલીલો કરી રહ્યા હતા, એવા સમયે અચાનક પાછળની બેન્ચ પર બેઠેલા પતિ વિનોદએ પોતાની સાથે છુપાવીને લાવેલી એસિડની બોટલ કાઢી પત્ની કૃષ્ણાના ચહેરા પર છાંટી દીધી હતી જેને લઈને કોર્ટમાં દેકારો થઇ ગયો હતો.
આ પણ વાંચો:શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
પત્ની પર હિંસક બની એસિડથી હુમલો કર્યા બાદ હુમલાખોર વૃદ્ધે કોર્ટમાં જ ઝેરી દવા પી લીધી હતી. પત્નીને લોહીલુહાણ હાલતમાં અને પતિને ઝેરની અસરમાં જોઈ કોર્ટના કર્મચારીઓ અને હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
બંનેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાના ચહેરા અને આંખના ભાગે ગંભીર દાઝ્યાની ઈજાઓ થઈ છે, જ્યારે પતિની હાલત પણ નાજુક છે. સુરત પોલીસે આ મામલે સારવારમાં રહેલા વૃદ્ધ સામે ગુનો નોંધીને તપાસના હાથ ધરી છે.
