મુંબઈમાં મૌલાના ની ધરપકડ સમયે ભારે ધમાલ: પોલીસે લાઠીચાર્જ કર્યો જુઓ
જૂનાગઢમાં ભડકામણું ભાષણ આપ્યું હતું
ગુજરાત પોલીસ મૌલાનાને જૂનાગઢ લઈ આવી
જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કથિતપણે ભડકામણું ભાષણ આપનાર ઇસ્લામના ઉપદેશક મૌલાના મુફતી સલમાન અઝહરીની મુંબઈ પોલીસને સાથે રાખી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ ઘાટકોપર પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ ધાંધલ ધમાલ બોલાવતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બાદમાં મોલાનાને અદાલતે બે દિવસની ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર સોપતા ગુજરાત પોલીસ તેમને જૂનાગઢ લઈ આવી હતી.
31મી જાન્યુઆરીએ રાત્રે જુનાગઢમાં ખુલ્લા મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મૌલાનાએ કરેલા ભાષણની વિડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને મૌલાના તથા કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ આઈપીસીની કલમ 153 બી અને 505(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે સ્થાનિક આયોજનની ધરપકડ કરી લીધી હતી પરંતુ મૌલાના એ દરમિયાન મુંબઈ ચાલ્યા ગયા હતા.
બાદમાં તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાનેથી તેમની ધરપકડ કરી પોલીસ તેમને ઘાટકોપર પોલીસ મથકે લઈ આવી હતી. મૌલાના વકીલના જણાવ્યા મુજબ 30 થી 35 જેટલા પોલીસો સાદા ડ્રેસમાં મૌલાનાના ઘરે ત્રાટક્યા હતા. તેમની ધરપકડ કરવામાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થયું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. મૌલાના ની ધરપકડના સમાચાર મળતા જ ઘાટકોપર પોલીસ મથક ઉપર મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અંતે ટોળાને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો. મૌલાનાએ પોલીસ મથક માંથી સમર્થકોને સંબોધન કર્યું હતું અને પોતે કોઈ ગુનો કર્યો ન હોવાનું જણાવી સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.આ ઘટનાને પગલે જૂનાગઢના દર્શન વિસ્તારોમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.