હિંડનબર્ગની આજે શેરબજાર ઉપર કેવી અસર પડશે ? : અટકળોનું બજાર ગરમ
રિપોર્ટમાં જેનો ઉલ્લેખ છે તે 3 લિસ્ટેડ કંપનીઓ અને અદાણીના શેરોમાં હલચલની શક્યતા
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલા મામલામાં ફરી એકવાર નવો ખુલાસો થયા બાદ હવે સોમવારે શેરબજારમાં કેવી અસર રહે છે તેના ઉપર સૌની નજર છે. આ વખતે, હિંડનબર્ગનું લક્ષ્ય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના વડા માધવી પુરી બુચ અને તેમના પતિ છે. આ સાથે હિંડનબર્ગે પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં કેટલીક કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આ તે કંપનીઓ છે જે શેરબજારમાં લિસ્ટેડ છે. આવી સ્થિતિમાં સોમવારે ટ્રેડિંગ શરૂ થાય ત્યારે આ શેર્સમાં હલચલ જોવા મળી શકે છે. આ સિવાય અદાણી ગ્રુપના શેરમાં પણ વધઘટ થઈ શકે છે.
હિંડનબર્ગના તાજેતરના અહેવાલમાં, ફાઇનાન્સ ક્ષેત્ર સાથે સંબંધિત કંપની IIFL સિવાય, નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બંને કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. BSE ઇન્ડેક્સ પર IIFL શેરની કિંમત રૂ. 423 છે. ગયા શુક્રવારે શેરમાં 2 ટકાનો ઘટાડો થયો હતો. તે જ સમયે, NSE પર નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટના શેરની કિંમત 137 રૂપિયા છે. શુક્રવારે આ સ્ટોક લગભગ 5% ઘટીને બંધ થયો હતો.
સોમવારે ટ્રેડિંગ દરમિયાન અદાણી ગ્રુપના શેર પર પણ નજર રહેશે. હિંડનબર્ગના નવા આરોપોને રોકાણકારો કેવી રીતે જુએ છે તે જોવું અગત્યનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપના શેર ખરાબ રીતે તૂટ્યા હતા.