ચુંટણી અંગે સુપ્રીમ કોર્ટમાં કેવી અરજી થઈ ? વાંચો
શું માંગણી કરવામાં આવી ?
સુપ્રીમ કોર્ટે નન ઓફ ધ એબોવ એટલે કે નોટા સાથે સંકળાયેલી એક અરજી મુદ્દે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. મોટિવેશનલ સ્પીકર શિવ ખેરા દ્વારા કરાયેલી આ અરજીમાં માગ કરાઈ છે કે, ‘જો ચૂંટણીમાં કોઈ ઉમેદવાર કરતા નોટામાં વધુ મત પડે તો તે બેઠક પર ચૂંટણી રદ કરવી જોઈએ. બાદમાં એક બેઠક પર ફરી ચૂંટણી કરાવવી જોઈએ.
આ ઉપરાંત નોટાથી પણ ઓછા મત મેળવનારા ઉમેદવારો પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.’નોંધનીય છે કે, આ અરજીમાં વકીલે સુરત બેઠક પર થયેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હાલની વ્યવસ્થા મુજબ વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા માનવામાં આવે છે. અરજદારના વકીલે ગુજરાતની સુરત ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આવી વ્યવસ્થાના કારણે સુરતના એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તેથી આ બાબતે વિસ્તૃત સુનાવણી કરવી જરૂરી છે. આ અરજીની અસર સુરત બેઠકના પરિણામો અથવા વર્તમાન લોકસભા ચૂંટણીના કોઈપણ બાબત પર પડશે નહીં.
શિવ ખેરાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં એવી પણ માંગ કરી છે કે, નોટાથી ઓછા મત મેળવનાર ઉમેદવારો પર કોઈપણ ચૂંટણી લડવા પર 5 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવે. આ ઉપરાંત નોટાને એક કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવામાં આવે. આ કેસમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચ સુનાવણી કરી રહી છે.