દેશમાં ઉત્પાદનની રફતાર ડિસેમ્બરમાં કેવી રહી ? વાંચો
દેશના ઉત્પાદન સેક્ટરનો વિકાસ દર ડિસેમ્બરમાં ઘટીને 12 મહિનાની નીચી સપાટી 56.4 પર આવી ગયો હતો. તેનું મુખ્ય કારણ નવા ઓર્ડર અને ઉત્પાદનની ધીમી ગતિ હતી. ગુરુવારે જારી કરાયેલા માસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી હતી.
ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ડિસેમ્બરમાં 56.4 હતો જે નવેમ્બરમાં 56.5 હતો. આ ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં નબળા સુધારા સૂચવે છે. ઘટાડા છતાં, તે તેની 54.1 ની લાંબા ગાળાની સરેરાશથી ઉપર રહે છે, જે મજબૂત વૃદ્ધિ દર દર્શાવે છે.
પીએમઆઈ હેઠળ, 50 થી ઉપરનો ઇન્ડેક્સ એટલે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વિસ્તરણ, જ્યારે 50 થી નીચેનો આંકડો સંકોચન સૂચવે છે. આ સેક્ટરમાં આમ તો ઉતાર ચઢાવ થતો જ રહે છે.
એચએસબીસીના અર્થશાસ્ત્રી ઈન્સ લેમે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિએ 2024માં મજબૂત વર્ષ પૂરું કર્યું હતું, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રે મંદીના સંકેતો દર્શાવ્યા હતા, જોકે તે મધ્યમ હતા. નવા ઓર્ડરમાં વિસ્તરણનો દર આ વર્ષે સૌથી ધીમો હતો, જે ભવિષ્યમાં નબળા ઉત્પાદન વૃદ્ધિનો સંકેત આપે છે.
સ્પર્ધા અને ભાવ દબાણને કારણે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ અવરોધાયો હતો. લેમે જણાવ્યું હતું કે નવા નિકાસ ઓર્ડરની ગતિમાં થોડો વધારો થયો છે, જે જુલાઈ પછી સૌથી ઝડપી ગતિએ વધી રહ્યો છે.