એફપીઆઈએ ચાલુ માસમાં શેર બજારમાંથી કેટલા નાણા પાછા ખેંચ્યા ? વાંચો
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ બજારમાં ભારે વેચવાલી કરી રહ્યા છે. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં, એફપીઆઈએ ઇક્વિટી માર્કેટમાંથી $10 બિલિયનથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. શેરના ઊંચા મૂલ્યાંકનથી ચિંતિત વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે અને સસ્તા ગણાતા ચીનના બજારોમાં રોકાણ કરી રહ્યા છે.
જો એફપીઆઈ ઉપાડ બંધ ન થાય અને બજારમાં રોકાણ ન વધે, તો તે પ્રથમ વખત બનશે કે વિદેશી રોકાણકારો એક મહિનામાં ભારતીય શેરબજારમાંથી $10 બિલિયનથી વધુનો ઉપાડ કરશે.
એનએસડીએલના ડેટા અનુસાર, એફપીઆઈએ ગયા શુક્રવાર સુધીમાં રૂ. 82,845 કરોડ ($9.8 બિલિયન)ના શેર વેચ્યા છે. સોમવારે, તેઓએ રૂ. 2,262 કરોડ ($270 મિલિયન)નું વેચાણ કર્યું હતું, જે આ મહિને અત્યાર સુધીમાં એફપીઆઈ દ્વારા વેચાયેલી કુલ રકમને $10.07 બિલિયન પર લઈ જાય છે.
અગાઉ, કોવિડ-19 રોગચાળા દરમિયાન, માર્ચ 2020 માં, એફપીઆઈએ $7.9 બિલિયનનું મહત્તમ વેચાણ કર્યું હતું. અચાનક ભારે વેચવાલી અને આર્થિક અનિશ્ચિતતાને કારણે તે સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ આ વખતે ભારે વેચવાલી છતાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 4 ટકા અને સેન્સેક્સ 3.7 ટકા તૂટ્યો છે.
77 હજાર કરોડની ખરીદી
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો મજબૂત પ્રવાહ મોટાભાગે વિદેશી વેચાણને સરભર કરી રહ્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઓક્ટોબરમાં રૂ. 77,000 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને આ વર્ષે અત્યાર સુધીમાં તેઓએ રૂ. 4.1 લાખ કરોડના શેર ખરીદ્યા છે.
ચીનના પ્રોત્સાહન નડે છે
એવેન્ડસ કેપિટલ ઓલ્ટરનેટ સ્ટ્રેટેજીસના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ્રુ હોલેન્ડે જણાવ્યું હતું કે, ‘કોઈને અપેક્ષા ન હતી કે ચીનમાં કંઈ પણ સકારાત્મક બનશે. ત્યાં બજારનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. વિદેશી રોકાણકારો ભારતને પસંદ કરે છે પરંતુ તેમને ઊંચા મૂલ્યાંકન પસંદ નથી. ચીનની સરકાર દ્વારા પ્રોત્સાહનોની જાહેરાતથી ત્યાંના બજારોમાં તેજી આવી છે. પશ્ચિમ એશિયામાં તણાવ અને તેલની કિંમતો ભારતીય બજાર પર અસર કરી રહી છે. અમેરિકાના ઈકોનોમિક ડેટાએ ચિંતા વધારી છે કે વ્યાજદર ઝડપથી ઘટશે નહીં.