દેશમાં કઈ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા ? ક્યાંથી આવ્યા ? વાંચો
દેશની સેવા માટે મેદાને પડતી પાર્ટીઓ કેટલી કમાણી કરે છે તે હકીકત જાણવા જેવી છે . એમની આવક પણ કઈ ઓછી નથી. દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેકગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી 83 ટકા તો કોંગ્રેસની કમાણી 170 ટકા વધી છે.
ગતવર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોની આવક વધી હોવાનું અનુમાન છે. જેમાં ભાજપની કમાણીમાં મોટો હિસ્સો ઇલેક્ટોરલ બૉન્ડનો રહ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી આ અંગે માહિતી મેળવવામાં આવી છે. પાર્ટીઓની આવક જોઈને ખરેખર લોકોની આંખો ચાર થઈ જાય તેવા આંકડા બહાર આવી રહ્યા છે.
નાણાકીય વર્ષ 2023-24માં ભાજપની કમાણી 83 ટકા વધી રૂ. 4340.5 કરોડ થઈ છે. જે ભાજપની અત્યારસુધીની સૌથી વધુ આવક છે. જેમાં સૌથી વધુ યોગદાન ઇલેક્ટોરલ બૉન્ડનું રહ્યું છે. ઇલેક્ટોરલ બૉન્ડ મારફત ભાજપે રૂ. 1685.6 કરોડ એકત્રિત કર્યા હતાં. 2022-23માં ભાજપે 2360.8 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ગતવર્ષે લોકસભા સહિત વિવિધ ચૂંટણીઓ પાછળ ભાજપે 2211.7 કરોડનો ખર્ચ કર્યો હતો. જે 2022-23માં જાહેર કરેલા 1361.7 કરોડ ખર્ચ સામે 62 ટકા વધુ છે.
સરેરાશ વધારો કેટલો
લોકસભા ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે ગત નાણાકીય વર્ષ 2023-24 કોંગ્રેસ માટે પણ કમાણી કરવામાં શુકનવંતુ રહ્યુ હતું. કોંગ્રેસની આવક 2022-23માં રૂ. 452.4 કરોડ સામે 2023-24માં 170 ટકા વધી રૂ. 1225 કરોડ થઈ છે. ઇલેક્ટોરલ બૉન્ડ મારફત થતી આવક પણ 384 ટકા વધી હતી. 2023-24માં ઇલેક્ટોરલ બૉન્ડ મારફત રૂ. 828.4 કરોડની આવક મેળવી હતી. જે અગાઉના વર્ષે રૂ. 171 કરોડ હતી. ઉલ્લેખનીય છે,
કોંગ્રેસની આવકમાં વૃદ્ધિની સાથે તેનો ખર્ચ પણ 120 ટકા વધ્યો હતો. કોંગ્રેસે 2023-24માં રૂ. 1025.2 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે 2022-23માં રૂ. 467.1 કરોડ ખર્ચ્યા હતા.
કોણે કેટલો ખર્ચ કર્યો
ઓડિટ રિપોર્ટમાં 2023-24 દરમિયાન ભાજપે જાહેરાતો અને પ્રચાર પાછળ રૂ. 1195 કરોડ, યાત્રા પાછળ રૂ. 196.8 કરોડ, ઉમેદવારોને નાણાકીય સહાય પેટે રૂ. 191 કરોડ ખર્ચ કર્યા છે. બેલેન્સશીટ મુજબ 31 માર્ચ, 2024 સુધી ભાજપ પાસે રૂ. 109.2 કરોડ રોકડા, રૂ. 1627.2 કરોડનું બૅન્ક બેલેન્સ, અને રૂ. 5377.3 કરોડની બૅન્ક એફડી જમા છે.