મમતા બેનર્જીની કિંમત કેટલી? લાખ?
ભાજપના ઉમેદવાર બનેલા કોલકતા હાઇકોર્ટના જજે કરી નિમ્ન સ્તરની ટિપ્પણી: ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ
કોલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા અભિજીત ગંગોપાદ્યાયે મમતા બેનર્જી માટે કરેલી અપમાનજનક ટિપ્પણીએ પશ્ચિમ બંગાળમાં ભારે વિવાદ સર્જ્યો છે.
પૂર્વ મિદાનપુર જિલ્લાના ચૈતન્યપૂરમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું,”સંદેશખાલીના ભાજપના ઉમેદવારને ભાજપે 2000 રૂપિયામાં ખરીદી લીધા હતા તો મારે જાણવું છે કે મમતા બેનર્જીની કિંમત શું છે ? દસ લાખ?”
તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું.ટીએમસી ના પ્રવક્તાએ કહ્યું કે દેશના એક માત્ર મહિલા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરીને ભાજપ તમામ મર્યાદા ચૂકી ગયું છે.નોંધનીય છે કે અભિજીત ગંગોપાધ્યાય જજ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ ટીએમસીએ તેમને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા. ન્યાયાધીશપદેથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને કમળના નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે.
થોડા સમય પહેલા તેમની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારે પણ તેઓએ ટીએમસી તેમને પ્રચાર કરતા રોકવા માગતી હોવાથી ખોટી ફરિયાદ નોંધાવે છે તેવી હાઇકોર્ટમાં દાદ માંગી હતી. બીજી તરફ તેમના સંબોધનની વિડિયો વાયરલ થતાં ભાજપ બેકફુટ પર આવી ગયો હતો. ભાજપના પ્રવક્તાએ વાયરલ થયેલી વિડીયો ફેક હોવાનો ખોખલો બચાવ કર્યો હતો.
આ ભાજપની ગેરંટી છે!
ટીએમસિના નેતા સાંતનું સેને કહ્યું કે ભાજપનો આ જ અસલી ચેહરો છે.એક ભૂતપૂર્વ ન્યાયાધીશ રાજ્યના મહિલા મુખ્યમંત્રી માટે આવી ટિપ્પણી કરે તે શરમજનક છે. તેમણે ઉમેર્યું કે ભાજપમાં મહિલાઓને આ રીતે જ અપમાનિત કરવામાં આવશે એ ભાજપની ગેરંટી છે.