એફપીઆઈનું ભારતીય બજારમાં રોકાણ કેટલું ? વાંચો
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારતીય શેરબજારોમાં રૂ. 7,900 કરોડથી વધુનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આર્થિક મોરચે મજબૂતી વચ્ચે ભારતીય બજારમાં એફપીઆઈનો વિશ્વાસ વધ્યો છે. પાછલા સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં ખૂબ રસ બતાવ્યો છે. નાણાંનો અવિરત પ્રવાહ વહેતો મૂક્યો છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, આ સાથે આ વર્ષે અત્યાર સુધીમાં શેર્સમાં કુલ એફપીઆઈ રોકાણ રૂ. 1.16 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
નિષ્ણાતો કહે છે કે આગળ જતાં કંપનીઓની પ્રથમ ક્વાર્ટરની કમાણીના આંકડા અને સામાન્ય બજેટ એફપીઆઈના પ્રવાહની દિશા નક્કી કરશે.
ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ચાલુ મહિને (5 જુલાઈ સુધી) શેર્સમાં ચોખ્ખું રૂ. 7,962 કરોડનું રોકાણ કર્યું છે.
જૂનમાં પણ સારો દેખાવ
અગાઉ જૂનમાં એફપીઆઈએ રૂ. 26,565 કરોડ શેરમાં મૂક્યા હતા. ચૂંટણીને લઈને અસમંજસના કારણે મે મહિનામાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 25,586 કરોડ પાછા ખેંચી લીધા હતા. મોરેશિયસ સાથેની ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતાને કારણે એફપીઆઈએ એપ્રિલમાં સ્ટોક્સમાંથી રૂ. 8,700 કરોડ પાછા ખેંચ્યા હતા.
પ્રવાહના અનેક કારણો
જુલિયસ બેર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મિલિંદ મુછલાએ જણાવ્યું હતું કે, “કેટલાક ફંડ કદાચ ચૂંટણી પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા.”
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ભારતમાં એફપીઆઈના પ્રવાહનું મુખ્ય કારણ બાહ્ય પરિબળો છે… જેમ કે યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો અને અન્ય ઊભરતાં બજારોમાં નીચા મૂલ્યાંકન.
શેર્સ ઉપરાંત, એફપીઆઈએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ડેટ અથવા બોન્ડ માર્કેટમાં પણ રૂ. 6,304 કરોડનું રોકાણ કર્યું છે. આમ, આ વર્ષે અત્યાર સુધીમાં એફપીઆઈએ બોન્ડ માર્કેટમાં રૂ. 74,928 કરોડનું રોકાણ કર્યું છે.