ફરી ડુંગળીના ભાવમાં કેટલો વધારો ? જુઓ
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યા બાદ ફરી ડુંગળીના ભાવમાં જોરદાર ઉછાળો આવી ગયો હતો અને માર્કેટમાં દેકારો બોલી ગયો હતો. ડુંગળી ફરી લોકોને રડાવશે. એશિયાના સૌથી મોટા મંડી ગણાતા લાસલગાંવમાં ડુંગળીની કિંમતમાં એક સાથે ૪૦ ટકા જેટલો તોતીંગ વધારો થઈ ગયો હતો અને દેકારો બોલી ગયો હતો.
આ બિઝનેસ સાથે જોડાયેલા મોટા વેપારીઓ અને સંગઠનોએ મીડિયાને એમ કહ્યું હતું કે, માર્ચ મહિનામાં ડુંગળીના ભાવમાં હજુ પણ ઘણો મોટો વધારો થઈ શકે છે અને લોકોને તથા વેપારીઓની આકરી પરીક્ષા થશે. જો કે પાડોશી દેશોને જરૂર પ્રમાણે ડુંગળીની નિકાસ કરવામાં આવશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન અને મોરેસિયસ જેવા દેશોને સરકાર ડુંગળી મોકલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે સાતમી ડિસેમ્બરના રોજ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો અને બે દિવસ પહેલાં જ પ્રતિબંધ દૂર કર્યો હતો. જો કે સરકારે હજુ સુધી તેનું જાહેરનામું બહાર પાડ્યું નથી એ પહેલાં સૌથી મોટી મંડી લાશલગાંવમાં ડુંગળીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા સાથે શનિવારે જ ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા.૧૨૮૦ થઈ ગયો હતો. જ્યારે સોમવારે આ કિંમત વધીને રૂા.૧૮૦૦ થઈ ગઈ હતી અને આ ઉછાળાની પ્રક્રિયા ચાલુ જ રહેવાનો ખતરો છે. લોકોમાં ફરી દેકારો બોલી શકે છે અને સામાન્ય વર્ગની મુશ્કેલીમાં ફરી ભારે વધારો થઈ શકે છે.
થોડા સમય પહેલાં પણ ડુંગળીના ભાવ આકાશ પર પહોંચી ગયા હતા અને દેશભરમાં દેકારો બોલી ગયો હતો ત્યારબાદ સરકાર એકશનમાં આવી હતી અને થોડા સમય સુધી રાહત રહ્યા બાદ ફરીથી ડુંગળી લોકોને રડાવશે.