ભાજપ અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓને કેટલું મળ્યું ડોનેશન ? જુઓ
૧ વર્ષમાં પાર્ટીને રૂપિયા ૨૨૪૪ કરોડ અને કોંગી બિચારીને ફક્ત ૨૮૮.૯ કરોડ જ મળ્યા; ચુંટણી પંચ દ્વારા જ માહિતી અપાઈ
દેશના લગભગ બધા જ વર્ગોને ભાજપ પર પૂરો ભરોસો રહ્યો છે અને તેને નાણા આપવાની બાબતમાં પણ પસંદગી ભાજપ જ રહી છે. છેલ્લા ઘણા સમયથી ભાજપને મળી રહેલું ડોનેશન ઉત્તરોત્તર વધી રહ્યું છે .પાર્ટી માટે આ વર્ષ માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ સુખદ નહોતું પરંતુ પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો તરફથી દાન તરીકે રૂ. 2,244 કરોડ મળ્યા, જે વર્ષ 2022-23માં મળેલા દાન કરતાં ત્રણ ગણા વધુ છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ બિચારી જ રહી છે કારણ કે તેને ફક્ત રૂપિયા ૨૮૮.૯ કરોડનું જ ડોનેશન મળ્યું છે.

ચૂંટણી પંચના અહેવાલ મુજબ, ભાજપને 2023-24માં ટ્રસ્ટ અને કોર્પોરેટ ગૃહો તરફથી કુલ રૂ. 2244 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પક્ષોના ડોનેશનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
મોટી કંપનીઓ સામેલ રહી છે
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 723.6 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 156.4 કરોડ રૂપિયા મળ્યા છે. આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતીયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે. ગયા વર્ષે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, મિત્તલ ગ્રૂપ અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં સૌથી વધુ ડોનેશન આપનાર કંપનીઓમાં સામેલ હતી.
બીજી પાર્ટીઓને શું મળ્યું ?
હવે પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો વર્ષ 2023-24માં, બીઆરએસને રૂ. 495.5 કરોડ, ડીએમકે રૂ. 60 કરોડ, વાયેસઆર કોંગ્રેસને રૂ. 121.5 કરોડ અને ઝારખંડ મુક્તિ મોરચા ને રૂ. 11.5 કરોડનું ડોનેશન મળ્યું છે. તેમજ આમ આદમી પાર્ટી ને રૂ. 11.1 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષે રૂ. 37.1 કરોડ હતું, એટલે કે આપના ડોનેશનમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન બહુજન સમાજ પાર્ટી બસપાને માત્ર રૂ. 20,000 રૂપિયાનું ડોનેશન મળ્યું છે.