કાશ્મીરમાં કેટલા આતંકી હણાયા ? વાંચો
લોકસભાની ચુંટણી માટે અલગ લગ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે જ પાક સમર્થિત આતંકીઓએ કાશ્મીરમાં હુમલા વધારી દીધા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે મંગળવારે અથડામણ થઈ હતી અને ગોળીયુધ્ધ ખેલાયું હતું આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકીઓમાંથી બેના મૃતદેહ મળી આવ્યા હતા. જવાનોનું સર્ચ હજુ ઓપરેશન ચાલુ જ રહ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે આ જાણકારી આપી હતી.
સોમવારે મોડી રાત્રે શરૂ થયેલી આતંકીઓ સાથેની અથડામણ મંગળવારે સવારે ફરી શરૂ થઈ હતી. મોડી રાત્રે કુલગામના રેડવાની વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં જ પોલીસ, સીઆરપીએફ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ વિસ્તારમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે. કોર્ડન કડક થતા જોઈને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
જો કે મોડી રાત સુધી કોઈ આતંકી માર્યો ગયો ન હતો. અંધકારને કારણે સુરક્ષા દળો દ્વારા વધારાની સાવચેતી રાખવામાં આવી હતી, જેથી કોઈ નુકસાન ન થાય. મંગળવારે સવારે એક વખત ફાયરિંગ શરૂ થયું હતું. અને 3 આતંકી હણાઈ ગયા હતા.