દેશમાં ભારે ધુમ્મસ કેટલા રાજ્યોમાં છવાયું ? શું થયું ? વાંચો
દેશના 14 રાજ્યોમાં શનિવારે ગાઢ ધુમ્મસની અસર જોવા મળી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય મીટર થઈ ગઈ હતી. જેના કારણે ઘણી ફ્લાઈટ અને ટ્રેનો મોડી પડી હતી.મુસાફરો હેરાન થયા હતા. ભારે ધુમ્મસને લીધે અકસ્માતો પણ થયા હતા. હરિયાણામાં અકસ્માતમાં 2 ના મોત થયા હતા. દિલ્હી અને કોલકત્તા એરપોર્ટ પર 295 ફ્લાઇટો મોડી થઈ હતી. દિલ્હીમાં 43 ફ્લાઇટ રદ થઈ હતી.

એકલા દિલ્હી એરપોર્ટ પર જ શનિવારે સવારે 255 ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી ન હતી. 43 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા મોડી દિલ્હી સ્ટેશન પહોંચી હતી.
કોલકાતા એરપોર્ટ પર પણ 40 ફ્લાઇટ મોડી પડી હતી, જ્યારે 5 રદ કરવામાં આવી હતી. ચંદીગઢ, અમૃતસર અને આગ્રા એરપોર્ટ પરની ફ્લાઈટને પણ અસર થઈ હતી.
અકસ્માત થયો
હરિયાણામાં હિસાર-ચંદીગઢ નેશનલ હાઈવે પર ધુમ્મસના કારણે એક કાર ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ. લોકો કાર સવારની મદદ કરવા પહોંચ્યા. ધુમ્મસના કારણે પાછળથી આવતા ટ્રક ચાલક રસ્તા પરના લોકોને જોઈ શક્યો ન હતો. તેણે લોકોને કચડી નાખ્યા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.
વરસાદની ચેતવણી
રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 100 મીટર થઈ ગઈ હતી. હવામાન વિભાગે કહ્યું છે કે આવતીકાલે રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, પરંતુ મધ્યપ્રદેશમાં વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, અહીં 2 દિવસ પછી ઠંડીથી રાહત મળી શકે છે.