છત્તીસગઢમાં કેટલા નક્સલવાદી ઠાર થયા ? વાંચો
છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે મંગળવારે અથડામણ થઈ હતી. આ ગોળીયુધ્ધમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. થોડાક દિવસો પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહે એમ કહ્યું હતું કે નક્સલવાદનો સફાયો થઈ જવાનો છે.
પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે નક્સલવાદીઓ સાથે સૈનિકો વચ્ચે મુઠભેડ થઈ હતી. જવાનોએ ગોળીબારનો વળતો જવાબ આપ્યો હતો અને 9 નક્સલીઓને ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા હતા. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી હતી.
છત્તીસગઢમાં ફરી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. જો કે પોલીસ અને જવાનો સતર્ક રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારના રોજ જ્યારે સુરક્ષા દળો પેટ્રોલિંગ પર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર ડિવીઝનમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
આ પહેલા 29 ઓગસ્ટે પણ ‘એન્ટી નક્સલ’ ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે મુઠભેડ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.
જો કે અત્યાર સુધી સેંકડો લડાકુઓએ શરણાગતિ સ્વીકારીને ઉગ્રવાદ છોડી દીધો છે અને તેઓ નોર્મલ લાઈફ તરફ પાછા ફર્યા છે. સેંકડો નક્સલીઓ અત્યાર સુધીમાં માર્યા ગયા છે. અહીં જવાનોની સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવ્યો છે.