2024 માં કેટલા કરોડની જીએસટી ચોરી પકડાઈ ? જુઓ
જીએસટી છેતરપિંડીની સંખ્યા દેશમાં વધી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ આવા લોકો સામે સખ્તાઈ વધારી દેવામાં આવી છે. એક અહેવાલમાં એવો માહિતી અપાઈ છે કે 2024 ના કારોબારી વર્ષ દરમિયાન દેશમાંથી કૂલ રૂપિયા 21,089 કરોડની છેતરપિંડી પકડવામાં આવી હતી. ખાસ કરીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઇટીસી છેતરપિંડી વધુ થઈ રહી છે. આ બારામાં દેશમાંથી કૂલ 113 ની ધરપકડ કરવામાં આવી છે.
ખાસ કરીને જીએસટીના ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા સખ્તાઈ વધારાઈ હતી અને આવા કેસ અલગ અલગ રાજયોમાંથી પકડી પાડયા હતા. જો કે સાથોસાથ છેતરપિંડી બદલ વસૂલી પણ 12 ટકા જેટલી કરવામાં આવી હતી. અનેક લોકો સામે એક્શન લેવાયા છે. સેંકડો લોકો સામે કેસ દાખલ થયા છે.
પાછલા વર્ષે વસૂલી 2 થી 3 ટકા જેટલી જ રહી હતી પરંતુ 2024 ના વર્ષમાં તે વધારીને 12 ટકા કરાઇ હતી અને સરકારની તિજોરીમાં રકમ નાખવામાં આવી હતી. રૂપિયા 21 ,089 કરોડની જીએસટી ચોરી બહાર આવ્યા બાદ તે પૈકીની રૂપિયા 2,577 કરોડની વસૂલી પહેલા જ કરી લેવાઈ હતી. રિકવરી ડેટાનો સેટ પણ ટૂક સમયમાં જાહેર થવાનો છે.
ચોરી પકડવા એઆઈનો પણ ઉપયોગ
જીએસટી ઇન્ટેલિજન્સ વિભાગ દ્વારા આઇટીસી છેતરપિંડીના કેસ બહાર લાવવા માટે એક ખાસ વ્યૂહનીતિ અપનાવવામાં આવી હતી. એ આઈ અને ડેટા ટૂલ જેવા નવા સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આઇટીસી છેતરપિંડી પકડવા માટે રેગ્યુલેટરો સાથે ડેટા શેર કરાઇ રહ્યો છે.
ઇન્ટેલિજન્સના અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે હવે આમ લોકો પણ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. અત્યાર સુધીમાં જીએસટી ચોરી બદલ 113 લોકોની ધરપકડ કરાઇ છે અને એમની પાસેથી વસૂલાત કરાઇ છે. વસૂલાતનો આંક વધી જવાનો છે કારણ કે કાર્યવાહી ચાલુ જ રખાઇ છે.