દિલ્હી વિધાનસભા ચુંટણી માટે ભાજપે કેટલા ઉમેદવાર જાહેર કર્યા ? વાંચો
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી શનિવારે જાહેર કરી દીધી હતી. ભાજપે આ લિસ્ટમાં 29 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પરવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. વળી, મુખ્યમંત્રી આતિશી સામે રમેશ વિધૂડીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. આ વખતે કેજરીવાલ સામે મોટા પડકાર દેખાઈ રહ્યા છે. વર્માએ લોકોને રોકડ રકમ આપી હોવાનો આરોપ તાજેતરમાં જ મુકાયો હતો.
ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, વાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણી બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તા, શાલીર બાગથી રેખા ગુપ્તા, મૉડલ ટાઉનથી અશોક ગોયલ, કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજકુમાર આનંદને ટિકિટ આપી છે.
ઉપરાંત રાજૌરી ગાર્ડનથી સરદાર મનજિંદર સિંહ સિરસા, નજકપુરીથી આશિષ સૂદ, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગહેલોતને ટિકિટ આપી છે.
આ સાથે જ નવી દિલ્હીથી પરવેશ વર્મા, જંગપુરાથી સરદાર તરવિંદર સિંહ, માલવીય નગરથી સતીશ ઉપાધ્યાય, આરકે પુરમ બેઠક પરથી અનિલ શર્મા, મહરૌલીથી ગજેન્દ્ર યાદ, છતરપુરથી કતાર સિંહ તંવર, આંબેડકર નગરથી ખુશીરામ ચુનાર, કાલકાજીથી રમેશ વિધુડીને મેદાને ઉતારાયા છે.
બદરપુરમાં નારાયણ દત્ત શર્મા, પટપડગંજથી રવિન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગરથી ઓમ પ્રકાર વર્મા, કૃષ્ણ નગરથી અનિલ ગોયલ, ગાંધીનગરથી અરવિંદ સિંહ લવલી, સીમાપુરીથી કુમારી રિંકુ, રોહતાસ નગરથી જિતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.