રશિયા પાસે કેટલા એટમ બોમ્બ છે ?? જાણો રશિયાનું પરમાણુ શસ્ત્રાગાર કેટલું મોટું અને જોખમી છે ??
દરેક દેશની પોતાની અણુનીતિ હોય છે. ભારતની અણુનીતિ એ છે કે – નો ફર્સ્ટ યુઝ. રશિયાની પરમાણુ નીતિમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનના તાજેતરના ફેરફારોને કારણે સંભવિત પરમાણુ સંઘર્ષની આશંકાઓ ફરીથી ઘેરી બની છે. અત્યારે ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધ ધીમી પડવાના કોઈ સંકેતો દેખાતા નથી. રશિયાનું અને તેને પગલે મીડિયાનું પણ ધ્યાન હવે નિશ્ચિતપણે રશિયાના પરમાણુ શસ્ત્રાગારના કદ અને તાકાત પર જાય છે કારણ કે પુતિન વારંવાર તેની ધમકી આપે છે. રશિયા અંદાજિત 5,580 પરમાણુ હથિયારો સાથે વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી પરમાણુ શક્તિ ધરાવે છે.
રશિયાની પરમાણુ નીતિમાં શું બદલાઈ રહ્યું છે?
19 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પુતિને રશિયાના એટમિક એનર્જીના વપરાશમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. આ ફેરફારો મુજબ જો યુક્રેન પર પરંપરાગત શસ્ત્રોથી હુમલો કરવામાં આવે તો રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે, જો પશ્ચિમી દેશો યુક્રેનને સાથ આપશે તો પુતિન એટમ બોમ્બ વાપરશે. આ ફેરફાર તે જ દિવસે આવ્યો જ્યારે યુક્રેને યુ.એસ. દ્વારા પૂરી પાડવામાં આવેલી મિસાઇલોનો ઉપયોગ કર્યો. તે પછી વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા ફેલાઈ અને વિશ્વશાંતિ વધુ જોખમમાં મુકાઈ.
જો રશિયા ઉપર એરક્રાફ્ટ, મિસાઇલ અથવા ડ્રોન સાથે મોટા પાયે હુમલો થયો તો રશિયા પરમાણુ તાકાતથી ઈંટનો જવાબ પથ્થરથી આપશે. વધુમાં, રશિયાનો નજીકનો સાથી-દેશ બેલારુસ હવે રશિયાના પરમાણુ સંરક્ષણની યોજના હેઠળ છે, એટલે કે બેલારુસ દેશ ઉપર પર પણ કોઈ બીજા દેશનો પરંપરાગત હુમલો થશે તો મોસ્કોની સરકાર ચુપ નહિ બેસે અને તેને પોતાના દેશ ઉપર થયેલો હુમલો સમજીને જ પ્રતિસાદ આપશે.
રશિયાનું પરમાણુ શસ્ત્રાગાર કેટલું મોટું છે?
રશિયાની પરમાણુ ક્ષમતા અપાર છે. સોવિયેત યુનિયનનો ઘણો ભંડાર તેના વિઘટન પછી રશિયાને વારસામાં મળ્યો. માટે રશિયા પાસે પરમાણુ શસ્ત્રોનો સૌથી મોટો સંગ્રહ છે એવું કહેવાય છે. ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (એફએએસ)ના અંદાજો સૂચવે છે કે રશિયા પાસે હાલમાં લગભગ 5,580 પરમાણુ શસ્ત્રો છે:
- 1,710 વ્યૂહાત્મક હથિયારો તૈનાત કરવા માટે તૈયાર છે, જેમાં લગભગ 870 જમીન-આધારિત બેલિસ્ટિક મિસાઇલો, 640 સબમરીન-લોન્ચ મિસાઇલો અને બાકીના એરફોર્સ બેઝ પર આધારિત છે.
- 3,670 અન્ય શસ્ત્રો: સંગ્રહ માટે તથા ભવિષ્યમાં સંભવિત ઉપયોગ માટે ઉપલબ્ધ.
- 1,200 નિવૃત્ત શસ્ત્રો: આ હવે સક્રિય નથી પરંતુ હજુ પણ મોટાભાગે અકબંધ છે અને માટે તે ગમે ત્યારે ફાટી શકે છે.
તેની તુલનામાં, યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા કરતાં વધુ પરમાણુ શસ્ત્રો ધરાવતો એકમાત્ર દેશ છે, જેની પાસે લગભગ 5,748 વોરહેડ્સ છે. અન્ય પરમાણુ દેશો જેમ કે ચીન, ફ્રાન્સ અને બ્રિટન રશિયા કરતા ઘણા નાના શસ્ત્રાગાર ધરાવે છે.
રશિયાના પરમાણુ શસ્ત્રો કેટલા જોખમી છે?
આધુનિક પરમાણુ શસ્ત્રો બીજા વિશ્વયુદ્ધમાં વપરાતા હથિયારો કરતા ઘણા વધુ શક્તિશાળી છે. કેટલાક શસ્ત્રો આજે 1,000 કિલોટન કરતાં વધી શકે છે – 1945માં જાપાનને બરબાદ કરનાર હિરોશિમા બોમ્બની શક્તિ કરતાં લગભગ છ ગણી તાકાત ધરાવતા ઘણા શસ્ત્રો છે. આવા શસ્ત્રોની અસર વિનાશક જ હોય, જેમાં મોટાપાયે જાનહાનિથી લઈને લાંબા ગાળાના પર્યાવરણીય નુકસાન સુધીના ખરાબ પરિણામો આવી શકે છે.
રશિયાનું સૌથી ખતરનાક શસ્ત્ર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે, જેને પશ્ચિમી વિશ્લેષકો દ્વારા “સેતાન 2” ઉપનામ આપવામાં આવ્યું છે. આ ICBM બહુવિધ વોરહેડ્સનું એકસાથે વહન કરી શકે છે અને અતિશય ઝડપે લાંબા અંતરને કવર કરી શકે છે. રશિયા તરફથી છોડવામાં આવેલી મિસાઈલ સૈદ્ધાંતિક રીતે માત્ર 20 મિનિટમાં બ્રિટનમાં આવેલા ટાર્ગેટનો લક્ષ્યવેધ કરી શકે છે.
રશિયાના પરમાણુ શસ્ત્રાગારને કોણ નિયંત્રિત કરે છે?
રશિયાના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિ પુતિન પાસે છે. દેશના પરમાણુ કોડ્સ ચેગેટ નામની ખાસ બ્રીફકેસમાં સુરક્ષિત છે, જે રાષ્ટ્રપતિ હંમેશા પોતાની સાથે રાખે છે. રશિયાના સંરક્ષણ પ્રધાન અને ચીફ ઑફ ધ જનરલ સ્ટાફને પણ સમાન બ્રીફકેસની ઍક્સેસ હોવાનું માનવામાં આવે છે.
જો રશિયાને લાગે છે કે તે પરમાણુ જોખમનો સામનો કરી રહ્યું છે, તો પુતિન આ સિસ્ટમ દ્વારા લોન્ચ ઓર્ડર જારી કરી શકે છે. પછી કમાન્ડ લશ્કરી એકમોને મોકલવામાં આવે છે જેને શસ્ત્રો લોન્ચ કરવાનું કામ સોંપવામાં આવે છે. આ ઝડપી નિર્ણય લેવાની સાંકળ જો કોઈ વ્યૂહાત્મક પરમાણુ હુમલો નિકટવર્તી જણાય તો ઝડપથી વળતો હુમલો કરી શકાય તે મુજબ ડીઝાઈન થયેલી હોય છે.
રશિયાની વધતી જતી પરમાણુ શક્તિઓ
2022 માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયા તેના પરમાણુ દળોને આધુનિક બનાવવા પર કામ કરી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો કે રશિયાના શસ્ત્રાગારના કદમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ દેશ તેની મિસાઈલોને અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ભવિષ્યમાં, તે જૂની મિસાઇલોને નવી મિસાઇલો સાથે બદલી શકે છે જે બહુવિધ વોરહેડ્સ વહન કરી શકે છે અને દુશ્મન દેશને વધુ નુકસાન કરી શકે છે.
પુતિન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે?
મોટો પ્રશ્ન એ છે કે શું રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે? આ સવાલનો જવાબ અસ્પષ્ટ છે. સંઘર્ષ શરૂ થયો ત્યારથી પુતિને વારંવાર આ શક્યતાનો સંકેત આપ્યો છે:
2022 માં, તેમણે એવા દેશોને યુદ્ધમાં હસ્તક્ષેપ કરવા સામે ચેતવણી આપી હતી જેના પરિણામો “ઇતિહાસમાં ક્યારેય જોયા નથી” તરફ દોરી શકે છે. આ ધમકીને કારણે ઘણા દેશો ડરી ગયા હતા. 2023 માં, તેમણે જાહેરાત કરી કે બેલારુસમાં કેટલાક વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો તૈનાત કરવામાં આવી રહ્યા છે, તણાવ વધી રહ્યો છે. પુતીને 2024 માં સંભવિત પરમાણુ સંઘર્ષનો સંકેત પણ આપ્યો જો પશ્ચિમી દેશો યુક્રેનને લશ્કરી રીતે સમર્થન આપવાનું ચાલુ રાખે તો. જો કે, પુતિને પણ અમુક સમયે ધમકીનો સૂર હળવો કર્યો છે અને સૂચવ્યું છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ અનિવાર્ય નથી અને તે એવું અવિચારી પગલું નહિ ભરે. પણ તેને કારણે એવું માની લેવાની જરૂર નથી કે પુતિન એટમ બોમ્બ નહિ જ વાપરે. અત્યારની પરિસ્થિતિ અનિશ્ચિતતા બતાવે છે, જે ભવિષ્યને વધુને વધુ અણધાર્યું બનાવે છે.
એટમ બોમ્બને સાંકળતો ઉચ્ચ જોખમો ધરાવતો સંઘર્ષ કેવી રીતે શમે છે કે પ્રગટ થાય છે તે તરફ વિશ્વની નજર છે. રશિયાની પરમાણુ ક્ષમતાઓ બધા દેશો માટે ચિંતાનો વિષય છે, અને તાજેતરના નીતિગત ફેરફારો સંભવિત ઉપયોગ માટે નીચી થ્રેશોલ્ડ સૂચવે છે. યુદ્ધ સમયે ફોકસ તો મુત્સદ્દીગીરી અને પરંપરાગત યુદ્ધ પર હોય પરંતુ યુદ્ધવિરામ અગ્રીમતા હોવી જોઈએ.
પણ રશિયાને યુદ્ધવિરામ કરવો નથી માટે પશ્ચિમી દેશો યુક્રેનના સમર્થનમાં સાવચેતી રાખી રહ્યા છે, પરમાણુ પ્રતિક્રિયા ઉશ્કેરે તેવી કોઈ પ્રવૃત્તિ કર્યા વિના વિના યુક્રેનની સહાયની જરૂરિયાતને સંતુલિત કરી રહ્યા છે. વૈશ્વિક સમુદાય પરમાણુ યુદ્ધને રોકવાની આશામાં સંવાદ/બેઠકો/સમાધાન માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે. જો એટમિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવશે તો તે માત્ર રશિયા અને યુક્રેન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિણામો લાવશે.