પાકિસ્તાનમાં કેટલા થયા અકસ્માત ? કેટલાના મોત થયા ? વાંચો
રવિવારે પાકિસ્તાનની બે બસો મોટા અકસ્માતનો શિકાર બની હતી. બે અલગ-અલગ બસ અકસ્માતમાં 11 શ્રદ્ધાળુઓ સહિત ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધુ એક અકસ્માત થયો હતો. જ્યાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં લગભગ 35 મુસાફરો હતા, બસ હવેલી કહુટાથી રાવલપિંડી જઈ રહી હતી. ત્યારે પાના પુલ પાસે આ મોટો અકસ્માત થયો અને તેમાં 35 માંથી 26 લોકોના મોત થયા હતા.
જોકે, અકસ્માત કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. કહુટા એ રાવલપિંડી જિલ્લાનો એક તાલુકો છે અને શહેરથી એક કલાકના અંતરે છે. સાધનોતીના ડેપ્યુટી કમિશનર ઉમર ફારુકે જણાવ્યું હતું કે મૃતકોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે, જે તમામ સાધનોતી જિલ્લાના હતા.
બીજી બસમાં 70 લોકો હતા
બીજી દુર્ઘટના ત્યારે થઈ જ્યારે 70 લોકોને લઈને ઈરાનથી પંજાબ પ્રાંતમાં શિયા યાત્રાળુઓને લઈ જતી બસ બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પરથી ઉતરી ગઈ. મકરાન કોસ્ટલ હાઇવે એ 653 કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે પાકિસ્તાનના અરબી સમુદ્રના કિનારે સિંધ પ્રાંતના કરાચીથી બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર સુધી વિસ્તરે છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોટાભાગના મુસાફરો લાહોર અને ગુજરાનવાલાના હતા. આ અકસ્માતમાં 35 જેટલા લોકો ઘાયલ થયા છે. જિલ્લા કમિશ્નર લાસબેલા હુમૈરા બલોચે જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.