ગુનાના સ્થળે પહોંચતા પોલીસને કેટલી વાર લાગશે ? : શહેરમાં ૧૦ મિનીટ, ગામડામાં ૨૦ મિનીટ
વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત : રાજ્યના ૨૦૦ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી ઇન્સ્પેકટરની નિમણુંક કરાશે
સાયબર ક્રાઈમ યુનિટની રચના કરીને એડીજી કક્ષાના અધિકારી મુકાશે4 જમાદારથી ચાલતી આઉટપોસ્ટમાં ફોજદાર મુકાશે
આપણે ત્યાં એવી માન્યતા છે કે કોઈ પણ ગુનો બને પછી પોલીસ ઘટના સ્થળે મોડી જ પહોંચે છે..જો કે આ માન્યતા ઘણા ખરા અંશે વાસ્તવિકતા પણ છે અને તેને કારણે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. રાજ્ય સરકારે હવે આ મુશ્કેલીનો નિવેડો લાવવાની જાહેરાત કરી છે. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે, કોઈ પણ ઘટના બને ત્યારે પોલીસનો ગુનાના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ 20 મિનિટમા પહોંચી જશે અને શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોલીસ પહોંચી જશે. આ માટે પોલીસ વિભાગ નવા વાહનો ની ખરીદી કરશે તેમ પણ તેમણે કહ્યું હતું.વધુમાં રાજ્યના ૨૦૦ જેટલા પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરીને પોલીસ ઇન્સ્પેકટરની નિમણુંક કરવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.
આજે વિધાનસભામાં ગૃહવિભાગ અંગેની ચર્ચા દરમિયાન બોલતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં હાલ તાલુકા કક્ષાએ જે પોલીસ સ્ટેશન હોય છે ત્યાં સિનીયર પીએસઆઇ કક્ષાના અધિકારી મુકવામાં આવતા હતા અને ત્યાર બાદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી આવતી હતી. પરંતુ હવે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને પીએસઆઈ કક્ષાથી અપગ્રેડ કરીને ઇન્સ્પેકટર કક્ષાના કરવામાં આવશે. ચાલુ વર્ષે જ 200 જેટલા પોલીસ સ્ટેશનને પીએસઆઈથી પીઆઈ કક્ષાએ અપગ્રેડ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉપરાંત રાજ્યની 200 આઉટ પોસ્ટ જે હેડ કોન્સ્ટેબલથી ચાલતી હતી ત્યાં પીએસઆઈ ની નિમણૂક કરાશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે પીપીઆર ના આધારે કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂક કરાશે. આઇટી એક્સપર્ટની નિમણૂક માટે 650 જેટલા એક્સપર્ટની ભરતી થશે. તેમણે કહ્યું કે અમે નવા સાયબર ક્રાઈમ યુનિટ રચના કરીએ છીએ અને તમામ સાયબર પોલીસ મથકો એક છત્ર નીચે આવશે. સાયબર ક્રાઈમ એડીજી કક્ષાના અધિકારી હસ્તક આવશે. રાજ્ય સરકારની સ્પેશ્યલ એક્શન ફોર્સ એસએએફની રચના કરાશે
ક્રાઈમ રેઈટમાં ગુજરાત ઘણું પાછળ
બજેટ માંગણીઓ પર જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે એનસીઆરબીના આંકડાઓમાં ગુજરાત ઘણું જ પાછળ છે. દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા ઘણા વધારે ગુનાઓ બને છે. દેશમાં સરેરાશ ક્રાઈમ રેટ 258.8 છે. ક્રાઈમ રેટમાં ગુજરાતનો રેન્ક 189.8 છે. ભૂતકાળમાં ગુજરાતના શહેરો ભાઈલોગના નામે ઓળખાતા હતા પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમા એક વર્ષમા નાસતા ફરતા 2789 આરોપી પકડાયા છે જ્યારે 20 વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા 78 લોકો પકડાયા છે અને 15 વર્ષથી ભાગતા 87 આરોપી જ્યારે 10 વર્ષથી ભાગતા 159 આરોપી અને 5 વર્ષથી ભાગતા 286 આરોપી પકડાયા છે. 1-2 વર્ષથી નાસતા ફરતા 800 થી વધુ આરોપી પકડાયા છે.
ન્યુડ કોલ આવે તો કોઈ ગભરાઈ નહી
ન્યૂડ કોલ ને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈના ઉપર ન્યૂડ કોલ આવે તો ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યા કરવા માટેના પગલાંઓ ભરાય છે. પરંતુ હવે આવી ઘટનાઓમાં જરાપણ ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો. અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.
દારૂના વાહનની હરરાજી થશે
દારૂની હેરાફેરી બાબતે સરકાર વધુ ગંભીર બની રહી છે અને હવે દારૂના ગુનામાં જે વાહન પકડાયું હશે તેની હરરાજી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. સરકાર આ માટે વિધાનસભામાં સુધારા વિધેયક પણ લાવશે.