અલનિનો આપણા હવામાનને કયા સુધી નડસે ? વાંચો…
હવામાનની પેટર્ન બગડતી રહેશે: વિશ્વ હવામાન સંગઠનની આગાહી: જમીન અને સુમદ્ર પર ગરમી ખુબ વધશે
હવામાનની અનિયમિતતા ફક્ત આપણા દેશ માટે જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશો માટે ઉપાધિ સમાન છે અને આવનારા દિવસો પણ પ્રતિકૂળ હવામાનને લીધે પડકારજનક રહી શકે છે. અલનિનોએ હવામાનની આખી સીસ્ટમ ખોરવી નાખી છે અને તેને લીધે અનેક અર્થતંત્ર મુશ્કેલીમાં છે ત્યારે વિશ્વ હવામાન ઓર્ગેનાઈઝેશન દ્વારા ચિંતાજનક અહેવાલ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ અલનિનો ૨૦૨૪ના એપ્રિલ સુધી હવામાનની પેટર્નને અસર કરશે અને હવામાનની અનિયમિતતા યથાવત રહી શકે છે.
અલનિનોને કારણે થનારા આ નકારાત્મક ફેરફારને લીધે જમીનમાં અને સમુદ્રમાં ટેમ્પ્રેચરમાં પણ વધારો ચાલુ રહેશે પરિણામે ગરમી વધતી રહેશે અને અર્થતંત્રની સામે પડકારો યથાવત રહેશે. કારણ કે, ભારત જેવા અનેક દેશોના વરસાદ અને હવામાન આધારિત કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે તેવી પણ સંભાવના ઉભી થઈ છે.
દરમિયાનમાં ભારતીય હવામાન ખાતાએ ચાલુ માસના પ્રારંભે જ એમ કહ્યું હતું કે, અલનિનોની અસર લાંબા ગાળે રહેશે નહીં અને આવતા વર્ષના દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન સીઝનને કોઈ પ્રતિકુળ અસર કરશે નહીં પરંતુ વૈશ્વિક હવામાન ખાતાએ તેનાથી વિપરીત અહેવાલ આપીને એપ્રિલ-૨૦૨૪ સુધી અલનિનો હવામાનની પેટર્ન બગાડતું રહેશે તેવી આગાહી કરી દીધી છે.
અલનિનોની અસરને કારણે દેશમાં અનેક રાજ્યોમાં અપુરતો વરસાદ રહ્યો છે. ક્યાંક ભયંકર ગરમી તો ક્યાંક ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. જમીન અને સમુદ્ર અત્યંત ગરમ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ પરિસ્થિતિનો સામનો સરકારો અને લોકોએ કરતા રહેવાનું છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ જુલાઈ-ઓગસ્ટમાં અલનિનો વિકસીત થઈને આગળ વધ્યું હતું અને સપ્ટેમ્બર સુધીમાં તે મુજબૂત બની ગયું હતુ ં અને હવે ૨૦૨૪માં પણ જાન્યુઆરીથી લઈને એપ્રિલ સુધી આ પરિસ્થિતિ યથાવત રહી શકે છે. શિયાળો પણ હૂંફાળો રહેશે તેવી આગાહી આ પહેલાં પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી.