દિલ્હી સહિત ક્યાં વરસાદ કેવો ? કેટલા મોત ? વાંચો
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં રવિવારે ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અને વાહનવ્યવહારને ભારે તકલીફ પડી હતી. રવિવારે સવારે દિલ્હીના આસપાસના વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ શરૂ થયો હતો અને લોકોને ગરમીમાં રાહત મળી છે.
હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી 6 દિવસ સુધી અહીં આવું જ વાતાવરણ રહેશે અને વરસાદ ચાલુ જ રહેશે. 2 દિવસ માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આગામી બે દિવસ આંધી તોફાન સાથે વરસાદ થવાની આગાહી થઈ છે. આખું વીક અઅ જ હાલત રહેશે.
યુપીમાં 11 મોત
દરમિયાનમાં યુપીમાં 24 કલાકમાં વધુ 11 લોકોના મોત થયા હતા. ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાથી 5 લોકોના મોત થયા હતા અને 5 લોકો તણાઇ ગયા હતા. અહીં સતત ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી થઈ હતી. અનેક જિલ્લા હજુ પણ પૂરમાં સપડાયેલા રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
એ જ રીતે દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે.