નક્સલીઓને કેવો લાગ્યો ઝટકો ? શું થયું ? વાંચો
નક્સલીઓ સામે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા ભારે સખત એક્શનના આદેશનો અમલ થઈ રહ્યો છે અને તેના ભાગરૂપે તેલંગાણા પોલીસે હૈદરાબાદના મહેબૂબ નગરથી એક કરોડની ઈનામી મહિલા નક્સલી કલ્પના ઉર્ફે સુજાતાની ગુરુવારે ધરપકડ કરી હતી. 60 વર્ષીય સુજાતા દક્ષિણ બસ્તર ડિવિઝનલ કમિટીના પ્રભારી સહિત ઘણાંં હોદ્દા પર રહી છે. દક્ષિણ બસ્તર ડિવીઝન કમિટીની પ્રભારી રહેતા તે બીજાપુર, સુકમા, દાંતેવાડા જિલ્લામાં 100થી વધુ ઘટનાઓમાં સામેલ રહી છે.
પોલીસે જણાવ્યું કે તે સારવાર માટે તેલંગાણા પહોંચી હતી ત્યારે પકડાઈ ગઈ. તેની પર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કુલ મળીને એક કરોડ રૂપિયાનું ઈનામ હતુ. પોલીસને તેની પૂછપરછ કરવા પર નક્સલીઓ વિશે મોટું ઈનપુટ મળવાની આશા છે.
સુજાતા નક્સલી લીડર કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની પત્ની છે. કિશનની સાથે જ તે બંગાળથી બસ્તર આવી હતી. કિશનજીને બંગાળની જવાબદારી આપ્યા બાદ તે થોડો સમય બંગાળમાં પણ રહી. કિશનજીનું વર્ષ 2011માં મૃત્યુ બાદ તે બસ્તર તરફ આવી હતી.
સુજાતાને હાર્ડકોર નક્સલી માનવામાં આવે છે. સામાન્ય રીતે પતિના મોત બાદ મહિલા નક્સલી સંગઠન છોડી દે છે પરંતુ સુજાતાએ સમર્પણ કર્યું નહીં. તેનો દિયર સોનુ સેન્ટ્રલ કમિટીનો સભ્ય છે. સોનુની પત્ની પણ નક્સલી નેતા છે. સુજાતાએ જ નક્સલ કમાન્ડર માડવી હિડમાને તૈયાર કર્યો હતો. સંગઠનમાં મહિલાઓની ભરતીમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.