મૈસુરમાં કેવી બની ઘટના ? શું થયું ? કેટલા શબ મળ્યા ? જુઓ
મૈસુરથી સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ એમના ઘરમાં જ મળી આવતા અહીં હંગામો મચી ગયો હતો. પોલીસ પણ આશ્ચર્યચકિત છે કે ચારેયના મોત કેવી રીતે થયા? પોલીસ ફોરેન્સિક તપાસના રિપોર્ટની રાહ જોઈ રહી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર સહિતનો કાફલો દોડી ગયો હતો.

જેમના મૃતદેહ મળ્યા છે તેમાં ચેતન (45), તેની પત્ની રૂપાલી (43), માતા પ્રિયંવધા (62) અને પુત્ર કુશલ (15)નો સમાવેશ થાય છે. ચેતન, જે એક ઉદ્યોગપતિ હતો, તેનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો જ્યારે તેની માતા પ્રિયંવધા નજીકના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેમની પત્ની અને પુત્ર સંકલ્પ સેરીન એપાર્ટમેન્ટમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પરંતુ મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, તે આત્મહત્યા હોવાની શંકા છે. પોલીસને શંકા છે કે ચેતને તેની પત્ની, પુત્ર અને માતાને ઝેર આપ્યા બાદ આત્મહત્યા કરી હશે. પોલીસ હવે ફોન રેકોર્ડ, બેંક વ્યવહારો અને ફોન પર મળેલા સંદેશાઓની તપાસ કરી રહી છે.
પોલીસને ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પડોશીઓના જણાવ્યા મુજબ, પરિવાર છેલ્લા દસ વર્ષથી ત્યાં રહેતો હતો અને કોઈપણ પ્રકારના તણાવમાં નહોતો. આખો પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો.