પૂર્વ સૈનિક કેવી રીતે બન્યો રાક્ષસ ? શું કર્યો અધમ પાપાચાર ? વાંચો
હરિયાણાના અંબાલામાં રવિવારે અત્યંત હિચકારી ઘટના બની હતી. ત્યાં સેનાના એક રિટાયર્ડ સુબેદારે પોતાના જ પરિવારના પાંચ લોકોની કથિત રીતે હત્યા કરી દીધી. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે તેમાં એક બાળક તો ફક્ત 6 માસનું જ છે. તેની પણ હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. પૂર્વ સૈનિકે રાક્ષસી પાપાચાર આચર્યો હતો.
ઘટના રવિવારે રાતની છે. મૃતકોની ઓળખ 65 વર્ષની માતા સરોપી દેવી, 35 વર્ષના ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ ભૂષણ કુમાર છે. તેણે મોડી રાત્રે સૌથી પહેલા તીક્ષ્ણ હથિયારથી ભાઈ પર હુમલો કર્યો. તે બાદ તેણે એક-એક કરીને સમગ્ર પરિવારને ખતમ કરી દીધો. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો. ભૂષણે પોતાના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી પર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જમીનને લઈને વિવાદ હતો
પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જોતાં લાગે છે કે બંને ભાઈઓમાં જમીનને લઈને વિવાદ હતો. નારાયણગઢના રાતૌરમાં એક જમીન હતી જેની પર બંનેનો દાવો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે તેની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
આરોપીને પકડવા માટે ટીમો ચારેકોર રવાના થઈ હતી અને આરોપીને ઓળખતા લોકોની પૂછપરછ કરીને તેની તલાશ કરવામાં આવી રહી છે.