શાકભાજીના ભાવ અંગે કેવો આવ્યો ચિંતાજનક અહેવાલ ? વાંચો
દેશમાં તહેવારોમાં પણ લોકો મોંઘવારીમાં પિસાઈ રહ્યા છે અને તેમાં ખાસ કરીને શાક ભાજીના ભાવ તો એમના માટે ભારે ત્રાસરૂપ બની ગયા છે . આમ તો દરેક ખાવાપીવાની ચીજમાં ભાવ વધારો છે પણ શાક ભાજીમાં તો રેકોર્ડ તૂટી ગયો છે.
એક અહેવાલ મુજબ પાછલા 6 માસમાં શાકભાજીના ભાવમાં એટલો વધારો થયો છે જે પાછલા 10 વર્ષમાં ક્યારેય થયો નથી. આવા જલદ ભાવ લોકોએ ક્યારે ય જોયા નથી. પરિવારોના ઘરના બજેટ વેરવિખેર થઈ ગયા છે. ખુદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આંકડા આ હકીકત દર્શાવી રહ્યા છે.
અહેવાલમાં એમ જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2011–12 થી 2019-20 ની અવધિ દરમિયાન જેટલો ભાવ વધારો આવ્યો હતો તેનાથી ઘણી વધારે તેજી ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એટલે કે પાછલા 6 માસ દરમિયાન જોવા મળી છે.
જો કે બેન્કે આ સ્થિતિના કારણો પણ જાહેર કર્યા છે અને કહ્યું છે કે ભીષણ ગરમી, અસામાન્ય વરસાદ અને માવઠાને પગલે લોકોના ગજવા પર ભારે બોજો આવી પડ્યો છે. શાકભાજી જ નહીં પણ અનાજ અને દાળ તથા તેલ વગેરેના ભાવમાં પણ જોરદાર વધારો રહ્યો છે.
સૌથી વધુ પરેશાની ડુંગળી અને બટેટા તથા ટમેટાંના ભાવમાં વધારાને લીધે ઊભી થઈ છે અને હાલમાં પણ તેના ભાવ ખૂબ જ વધેલા છે. લોકો તહેવારોમાં પણ આ ત્રાસ સહન કરી રહ્યા છે.