એમપીના રીવામાં કેવી બની દુર્ઘટના ? વાંચો
મધ્યપ્રદેશના રીવામાં એક શાળાની દિવાલ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર બાળકોના મોત થયા હતા. તેમજ એક બાળકને ઈજા થઈ હતી. બાળકો શાળાએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જિલ્લા પ્રશાસને મૃતક બાળકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઘટના ગઢ નગરની એક ખાનગી શાળા સંરિષિ પબ્લિક સ્કૂલ પાસે બની હતી. પૂર્વ સીએમ કમલનાથે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
રીવાના ગઢ શહેરમાં આ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ જર્જરિત મકાન ધરાશાયી થતાં શાળાના બાળકો આ ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. જર્જરિત મકાનના કાટમાળ નીચે અડધો ડઝનથી વધુ બાળકો દટાયા હતા. દુર્ઘટનાની માહિતી સમગ્ર શહેરમાં ફેલાઈ ગઈ, ત્યારબાદ નાગરિકો અને અધિકારીઓ સહિતની બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ઘટનાની માહિતી મળતા જ સમગ્ર વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. ઘટના સ્થળે કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ અધિક્ષક વિવેક સિંહ પણ હાજર હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જો કે તપાસ બાદ ડોક્ટરોએ ચાર બાળકોને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે નગરમાં શોકનો માહોલ છવાયો હતો.
