પુતિને દુનિયાને ચિંતામાં કેવી રીતે નાખી ? શું આપી ધમકી ? જુઓ
રશિયા-યુક્રેન યુદ્ધમાં પશ્ચિમી દેશોની ભૂમિકા સતત વધી રહી છે. યુદ્ધ શરૂ થયાને અઢી વર્ષ વીતી ગયા. આવી સ્થિતિમાં અમેરિકા અને બ્રિટને હવે યુક્રેનને રશિયામાં ઘૂસીને હુમલો કરવા માટે મુક્ત લગામ આપી છે. યુક્રેનને એવા હથિયારો મળી રહ્યા છે, જેના આધારે હવે રશિયાની અંદર સુધી હુમલા શક્ય છે. તાજેતરની સ્થિતિને જોતા પુતિન પણ ચિંતિત છે. તેમણે બુધવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જે બાદ કહેવામાં આવ્યું હતું કે જો આ હવાઈ હુમલા આમ જ ચાલુ રહેશે તો રશિયા પરમાણુ હુમલો કરીને જડબાતોડ જવાબ આપશે.
હાલમાં જ યુક્રેનને અમેરિકા અને બ્રિટન તરફથી ક્રૂઝ મિસાઈલોનો મોટો કાફલો મળ્યો છે, જેના કારણે રશિયન શહેરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે જ સમાચાર આવ્યા હતા કે બ્રિટને યુક્રેનને રશિયાની અંદર તેની ‘સ્ટોર્મ શેડો’ ક્રુઝ મિસાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારર અને અમેરિકી પ્રમુખ જો બિડેન વચ્ચે તાજેતરમાં અમેરિકામાં એક બેઠક દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમાં યુક્રેનને વધુ હથિયારો આપવા પર સહમતિ દર્શાવવામાં આવી હતી.
રશિયા કરશે પરમાણુ હુમલો!
રશિયન ગુપ્તચર એજન્સીએ સપ્ટેમ્બરની શરૂઆતમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે રશિયા માટે તેના પરમાણુ સિદ્ધાંતમાં સુધારો કરવો જરૂરી બની ગયો છે. આમ હવે દુનિયા પર વધુ જોખમ તોળાઈ રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, આ મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા અને બ્રિટન દ્વારા ક્રૂઝ મિસાઈલ લોન્ચ કરવાની મંજૂરી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ તેણે કહ્યું કે જો પશ્ચિમ યુક્રેનને રશિયા પર બોમ્બમારો કરવા માટે આવા હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે તો તે રશિયા સાથે સીધા યુદ્ધ સમાન હશે. આવી સ્થિતિમાં મોસ્કોને યોગ્ય નિર્ણય લેવાની ફરજ પડશે.