દેશના કયા રાજ્યમાં કેટલી છે ઠંડી ? ક્યાં થયો પારો માઇનસ ? જુઓ
દેશના અનેક રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે અને કેટલાક રાજ્યોમાં પારો 2 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડી યથાવત છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર પ્રદેશમાં 20 વર્ષ પછી ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. અહીં 20 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
સામાન્ય રીતે અહીં ત્રીજા કે ચોથા સપ્તાહમાં શીત લહેર પ્રવર્તે છે. ચિત્રકૂટના એક ખેડૂતનું શનિવારે તીવ્ર ઠંડીના કારણે મોત થયું હતું. લોકો દિવસે પણ ઘરોમાં જ પુરાયેલા રહે છે અને જનજીવન પર વિપરીત અસર થઈ રહી છે.
ઓડિશામાં પણ ઠંડી અને કોલ્ડવેવના કારણે મયુરભંજમાં તાપમાન -10 ડિગ્રીએ પહોંચી ગયું છે. અહીં વૃક્ષોના પાંદડા પર ઝાકળના ટીપાં જામવા લાગ્યા છે. દિવસે પણ બજારો સૂમસામ લાગે છે અને ખુલ્લી જગ્યામાં સૂતા લોકોને ખસેડવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં સૌથી ઓછું તાપમાન શહડોલમાં 1.5 ડિગ્રી નોંધાયું હતું. ભોપાલમાં પણ રાત્રિનું તાપમાન 4 ડિગ્રીથી નીચે પહોંચી ગયું હતું. હવામાન વિભાગે કહ્યું- 10 વર્ષમાં બીજી વખત ડિસેમ્બરમાં આટલો નીચો પારો નોંધાયો હતો.
રાજસ્થાનના 11 શહેરોમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કુલ 15 શહેરોમાં શનિવારે તાપમાન 4 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.