કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત : ફળ-શાકભાજી વેચવા જઈ રહેલો ટ્રક પલટી જતાં 10 લોકોનાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો, જેમાં 10 લોકોના મોત નિપજ્યાં છે અને 15 ઘાયલ થયા. આ ઘટના ત્યારે બની જ્યારે સાવનુરથી લોકોને કુમટા બજારમાં શાકભાજી વેચવા માટે લઈ જઈ રહ્યા હતા અને ટ્રકનો અકસ્માત થયો. જિલ્લા પોલીસ અધિક્ષક નારાયણ એમ. એ જણાવ્યું હતું કે વધુ ઝડપને કારણે ટ્રક નિયંત્રણ બહાર ગયો અને પલટી ગયો, જેના કારણે આ દુ:ખદ અકસ્માત થયો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત ?
માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ લહેરાઈ ગયો હતો અને 50 મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 8 લોકોના મોતની પુષ્ટી થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસે શું કહ્યું ?
આ મામલે પોલીસ અધીક્ષક નારાયણ એમ.એ જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમટા બજાર જઇ રહ્યા હતા. ટ્રકમાં ફળ-શાકભાજીનો જથ્થો હતો અને તેમાં 30થી વધુ મુસાફરી પણ કરી રહ્યા. જોકે આ ટ્રકને અકસ્માત નડતાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત સવારે લગભગ 5:30 વાગ્યે સર્જાયો હતો.