2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
રશિયામાં બુધવારે આવેલા 8.8 ની તીવ્રતાનો પગલે વિશ્વના અનેક દેશોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. રશિયાથી માંડીને અમેરિકા સુધી દરિયામાં 6 થી 16 ફૂટ ઊંચા મોજાઓ ઉઠ્યા હતા. આ ઘટનાએ ભૂતકાળમાં ઇન્ડોનેશિયામાંથી ઊઠેલી સુનામીએ ભારતમાં વેરેલા ભયંકર વિનાશની બિહામણી યાદો તાજી કરી દીધી છે.

26 ડિસેમ્બર, 2004ના રોજ, સવારના શાંત વાતાવરણમાં, ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ નજીક ભારતીય સમુદ્રમાં આવેલા 9.1-9.3ની તીવ્રતાના ભૂકંપે સમુદ્રના તળમાં ભયંકર હલચલ મચાવી દીધી હતી. તેના પરિણામે ઉદ્ભવેલી સુનામીની લહેરોએ 14 દેશોના દરિયાકાંઠાને ખેદાન મેદાન કરી નાખ્યા હતા.ભારતના અંદમાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પોંડિચેરીના દરિયાકાંઠે આ રાક્ષસી લહેરોએ ગામડાંઓ, શહેરોને ધોઈ નાખ્યા હતા.

આ સુનામીએ ભારતમાં અંદાજે 12,405 લોકોના જીવ લીધા હતા. હજારો લોકો ઘાયલ થયા હતા અને લગભગ 1.5 લાખ લોકો બેઘર બન્યા હતા. અંદમાન અને નિકોબાર ટાપુઓમાં આ આફતે આદિવાસી સમુદાયોનું અસ્તિત્વ જ જોખમમાં મૂકી દીધું હતું. તમિલનાડુના નાગપટ્ટિનમ જેવા વિસ્તારોમાં આખાં ગામડાં નષ્ટ થઈ ગયાં. ઘરો, શાળાઓ, હોસ્પિટલો અને બજારો પાણીમાં ડૂબી ગયાં હતા. હજારો માછીમારવાની હોડીઓ તણાઈ જતા આજીવિકાનો આધાર છીનવાઈ ગયો હતો.

ચેન્નઈના સુંદર મરીના બીચને અતિક્રમી રાક્ષસી મોજાઓએ છેક શહેર સુધી તબાહી મચાવી હતી.દરિયા કાંઠે આવેલી હોટલો, રેસ્ટોરન્ટ નાશ પામ્યા હતા.મોટા વહાણો મધદરિયેથી તણાઈને કિનારે અથડાયા હતા. દરિયાકાંઠા નજીકના કાચા મકાનો અને ઝૂંપટપટ્ટીઓ તણાઈ જતા હજારો લોકો બેઘર બન્યા હતા.અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.બીચ પર ફરવા ગયેલા લોકોને પણ દરિયો ભરખી ગયો હતો. એકલા ચેન્નાઈ શહેરમાં જ 206 લોકોના મૃત્યુ થયા હતા. નાગપટ્ટિનમાં 6000 લોકોના મૃત્યુ થતા દેશ સ્તબ્ધ બની ગયો હતો.એક માછીમારે ત્યારે કહ્યું હતું,” અમે સમુદ્રને અમારો મિત્ર માનતા હતા પરંતુ તેણે અમને દગો આપ્યો”.સુનામીએ પ્રકૃતિની પ્રચંડ વિનાશક શક્તિનો પરિચય આપ્યો હતો.જ્યારે ધરતી ધ્રૂજે છે અને સમુદ્ર ઉછળે છે ત્યારે માનવી લાચાર બની જાય છે એ સત્યનો ભારતે 2004 ની એ સુનામીમાં સાક્ષાત્કાર કર્યો હતો.

1952માં સુનામીએ રશિયામાં ભારે હાહાકાર મચાવ્યો હતો
નવેમ્બર, 1952માં રશિયાના કામચટકા દ્વીપકલ્પ નજીક 9.0ની તીવ્રતાનો ભૂકંપે સર્જેલી સુનામીએ પેસિફિક મહાસાગરના કાંઠે આવેલા વિસ્તારોને તબાહ કરી નાખ્યા હતા. આ ઘટનામાં રશિયામાં લગભગ 10,000 થી 15,000 લોકો મૃત્યુ પામ્યા હતા.. સેવેરો-કુરિલ્સ્ક શહેર લગભગ નષ્ટ થઈ ગયું હતું. આ સુનામીએ હવાઈ સુધી અસર કરી હતી. તે સમયે સુનામી ચેતવણી પ્રણાલીનો અભાવ હોવાથી નુકસાન વધુ થયું હતું. આ ઘટનાએ વૈજ્ઞાનિકોને સુનામીની આગાહી અને ચેતવણી પ્રણાલી વિકસાવવા પ્રેરણા આપી હતી .
આ પણ વાંચો : કાલથી દરેક વોર્ડમાં મચ્છરો ઉપર તૂટી પડશે રાજકોટ મહાપાલિકા! વોર્ડ નંબર-1થી ‘વારો’ લેવાનું શરૂ
2011માં જાપાનમાં હજારો લોકોનો ભોગ લેવાયો હતો
11 માર્ચ, 2011ના રોજ, જાપાનના તોહોકુ વિસ્તારમાં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઊઠેલી સુનામીએ ફુકુશિમા અણુ પ્લાન્ટને નુકસાન પહોંચાડ્યું હતું.આ ઘટનામાં 15,899 લોકો મૃત્યુ પામ્યા હતા. હજારો લોકો બેઘર થયા હતા. ફુકુશિમાનું અણુ વિકિરણ લીકેજ થતાં આધુનિક યુગની સૌથી ગંભીર આફત સર્જાઈ હતી.. જાપાનની આધુનિક ચેતવણી પ્રણાલી અને મજબૂત માળખાં હોવા છતાં, સુનામીની શક્તિ સામે ટકી શક્યું નહોતું.ભૂતકાળની એ ઘટના માંથી બોધપાઠ લઈને બુધવારે કુકુશિમા પરમાણુ મથક બંધ કરી દેવાયું હતું.