ઔરંગાબાદમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે જામ્બરગાંવ ટોલ પોસ્ટ પર ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસપીના જણાવ્યા અનુસાર તમામ લોકો એક ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યા હતા. જેને પાછળથી આવીને ટોલ પોસ્ટ પાસે ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી.ટેમ્પોમાં સવાર લોકો બુલઢાણાથી નાસિક જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી.
મળતી માહિતી મુજબ નાશિકના 35 શ્રદ્ધાળુઓ બુલઢાણા જિલ્લામાં પ્રવાસી બાબાની દરગાહના દર્શન કરવા ગયા હતા. જ્યારે આ લોકો દર્શન કરીને નાસિક પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. જ્યારે આ મીની બસ વૈજાપુર પાસેથી પસાર થઈ રહી હતી, તે જ સમયે જામબરગાંવ શિવરાના ટોલ પર એક ટ્રક ઉભી હતી.
મીની બસ ફાસ્ટ ગતિએ આવી રહી હતી અને સીધી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ મિની બસની ટક્કર એટલી જોરદાર હતી કે 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોને સંભાજીનગરની ઘાટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.