રાજસ્થાનમાં કારે બસને ટક્કર મારતા સર્જાયો ભયાનક અકસ્માત : વડોદરાના એક જ પરિવારના 5 લોકોના મોત
દેશમાં થોડા સમયથી ગંભીર અકસ્માતોની ઘટનાઑ વધી ગઈ છે. રાજસ્થાનના કરૌલીમાં પણ ગંભીર ઘટના બની હતી. એક કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર થતાં આખો પરિવાર મોતને ભેટી ગયો હતો. આ કમનસીબ લોકો વડોદરાના હોવાનું બહાર આવ્યું હતું અને તેઓ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. દર્શન બાદ ઘર તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બની ગયા હતા. જ્યારે બસના ૧૫ મુસાફરોને ઇજા થતાં એમને હોસ્પિટલ ખસેડાયા હતા.
આ દુર્ઘટના બાદ કારના ટુકડાં થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટનો સમાવેશ થાય છે. આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હતી.
બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિકો પણ મદદ માટે આવી ગયા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
આ મામલે કરૌલી જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર રમેશ મીણાએ કહ્યું કે તમામ મૃતકો એક જ પરિવારના છે. તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ હતી.