નેતાઓ-સમાજના અગ્રણીઓને ગૃહમંત્રીનો સ્પષ્ટ સંદેશો: કોઈ ગુનેગારની ભલામણ ન કરતા
પોલીસને કહી દેવાયું છે કે ગુનેગારોને શોધી શોધીને વરઘોડા' કાઢે: વધતી ગુનાખોરીને કાબૂમાં લેવા પોલીસને
છૂટો દોર’ આપતાં હર્ષ સંઘવી
તમે સવાર-સાંજ પૂજા કરશો પણ એક ગુનેગારને `ભલામણ’થી છોડાવશો તો આ બધું જ નક્કામું છે
આરોપીઓને ચાલવામાં તકલીફ પડે તેવો સબક શીખવવા પોલીસને આદેશ
ખૂણે ખૂણે જઈને હિસ્ટ્રિશીટરોને શોધો, ક્યારેય ભૂલી ન શકે તેવી ટ્રીટમેન્ટ આપો
રાજકોટ હોય કે અમદાવાદ હોય, વડોદરા હોય કે સુરત હોય રાજ્યના મોટા શહેરોમાં ગુનાખોરી બિલાડીના ટોપની માફક ફૂટી રહી છે. નાના-મોટા અકસ્માત, મારામારી, હત્યાનો પ્રયાસ, હત્યા, ચોરી, લૂંટ, છેતરપિંડી, દેશી-વિદેશી દારૂના વેચાણ સહિતના તમામ ગુનાનો ગ્રાફ ચિંતાજનક હદે વધી રહ્યો હોય ગૃહમંત્રીએ આવારા તત્ત્વોને સીધાદોર કરવા રાજ્યની દરેક પોલીસને છૂટો દોર આપી દીધો છે. દરમિયાન સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના પાંડેસરા યુનિટનું લોકાર્પણ કર્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નેતાઓ અને સામાજિક અગ્રણીઓને સ્પષ્ટ સંદેશો આપતાં કહ્યું હતું કે કોઈ ગુનેગારની ભલામણ કરતા નહીં સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે ગુનેગારોને શોધી શોધીને વરઘોડા કાઢવામાં આવે તેવો આદેશ પોલીસને આપી દેવામાં આવ્યો છે.
સુરતમાં આજે ગૃહમંત્રીએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં કતારગામમાં મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર-૧નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચનાં પાંડેસરા યુનિટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પછી સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે પોલીસ દ્વારા ગુનેગારોના અત્યારે જે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તે ખૂબ જ સારી રીતે નીકળી રહ્યા છે ત્યારે આવા વરઘોડા હજુ વધુ કાઢવા માટે પોલીસને કહી દેવામાં આવ્યું છે.
ગૃહમંત્રીએ ઉમેર્યું કે ગુનેગાર પકડાય એટલે તેને છોડાવવા માટે નેતાઓ અને સામાજિક આગેવાનો દ્વારા પોલીસ ઉપર ભલામણ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે જે બિલકુલ વ્યાજબી નથી. ગૃહમંત્રીએ નેતાઓ અને સામાજિક આગેવાનોને ચીટીયો ખણતાં કહ્યું હતું કે તમે સવાર-સાંજ ભગવાનની પૂજા કરતા હશો પરંતુ જ્યારે તમે કોઈ ગુનેગારને છોડી દેવા માટે પોલીસને ભલામણ કરો છો ત્યારે તમારું બધું જ પુણ્ય ધોવાઈ જાય છે અને તમે પણ ગુનેગારે કરેલા ગુનાના ભાગીદાર બની જાવ છો !
રાજ્યની તમામ પોલીસને ગૃહમંત્રીએ આદેશ આપ્યો કે ખૂણે ખૂણે જઈને હિસ્ટ્રિશીટરો, આવારા-નઠારા તત્ત્વોને શોધી શોધીને તેમનો વરઘોડો કાઢવો જોઈએ. એકંદરે ગુનેગારોને ચાલવામાં તકલીફ પડી જાય તે પ્રકારે તેને સબક શીખવવામાં આવશે તો જ પોલીસે કામગીરી કર્યાનું સાર્થક ગણાશે. એકંદરે તેમણે ગુનેગારો ઉપર કાળ બનીને તૂટી પડવા માટે છૂટો દોર આપી દેતાં હવે પોલીસ આ આદેશને કેટલો માન્ય રાખે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે !
ઘર-ઓફિસમાં બેસવાની જગ્યાએ રોડ પર સીન' જમાવતાં ટપોરીઓને પણ ન છોડતાં હર્ષ સંઘવીએ એમ પણ ઉમેર્યું હતું કે ખૂણે-ખૂણેથી ગુનેગારોને શોધી શોધીને જે પ્રકારે વરઘોડા કાઢવામાં આવ્યા છે તે અત્યંત જરૂરી છે ત્યારે હજુ પણ ગુનેગારોને શોધવાનું ચાલું જ રાખવાનું છે. આ ઉપરાંત હજુ કોઈ બચી ગયો હોય તો તેને પણ વરઘોડામાં સામેલ કરી દેજો. ખાસ કરીને ઘર કે ઓફિસમાં બેસવાની જગ્યાએ રોડ પર અથવા તો વાહન પર પલાંઠી મારીને
સીન’ જમાવનારા ટપોરીઓને પણ આ વરઘોડામાં સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. એકંદરે બેનંબરી ધંધા કરનારા તત્ત્વોને પણ ઉગતાં જ ડામી દેવા ગૃહમંત્રીએ આદેશ આપ્યો હતો.
ગુજરાતમાં પહેલીવાર એન્ટી નાર્કોટિક્સ યુનિટની રચના: ડ્રગ્સ બંધાણીઓને નશો'
છોડાવાશે કેન્દ્રીય મંત્રી-ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની રચના કરવામાં આવી હતી. આ યુનિટ ગુજરાતમાં પહેલી વખત બનાવવામાં આવ્યું છે. આ યુનિટ થકી ડ્રગ્સના બંધાણીઓને
નશામુક્ત’ કરવાનું કામ કરવામાં આવશે. અહીં આવનારા દરેક બંધાણીની ઓળખ પણ ગુપ્ત રખાશે અને તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં.