હિટમેને કર્યો વડાપાંઉનો ત્યાગ : રોજ 3 કલાક કસરત કરી રોહિત શર્માએ ઘટાડયું 10 કિલો વજન!
ઑસ્ટ્રેલિયા સામે પર્થ વન-ડેમાં રોહિત શર્માના બેટમાંથી એ પ્રકારનું પ્રદર્શન જોવા ન મળ્યું જેવું વજન ઘટાડયા બાદ તેની પાસેથી હતું. રોહિત શર્મા દસ કિલો વજન ઘટાડીને ઑસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. જો કે આ માટે તેણે 252 કલાકની અથાક મહેનત કરવી પડી હતી. રોહિત શર્માના મિત્ર અભિષેક નાયરે ભારત-ઑસ્ટ્રેલિયા મેચની પ્રસારણકર્તા ચેનલ સ્ટાર સ્પોર્ટસ પર જણાવ્યું કે રોહિતે દસ કિલો વજન ઘટાડયું છે. રોહિતે ઑસ્ટ્રેલિયા જતા પહેલાં ફિટનેસ તેમજ બેટિંગ મુદ્દે પણ અભિષેક નાયર સાથે વાત કરી હતી. તેણે ખાસ્સો સમય અભિષેક સાથે પસાર કર્યો હતો.
રોહિતે ત્રણ મહિનામાં દસ કિલો વજન ઘટાડ્યું છે. રોહિતે જે 12 સપ્તાહ સુધી ટ્રેનિંગ લીધી તેમાંથી આઠ સપ્તાહ તો હાર્ડ કોર ટ્રેનિંગ મતલબ કે અત્યંત અઘરી ટ્રેનિંગ લીધી હતી. જ્યારે બાકીના ચાર સપ્તાહમાં તેણે પોતાની આવડત અને અન્ય વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
આઠ સપ્તાહમાંથી શરૂઆતના પાંચ સપ્તાહ બોડી બિલ્ડિંગ માઈન્ડસેટવાળા રહ્યા હતા મતલબ કે તેમાં તેણે પોતાના શરીર ઉપર કામ કર્યું હતું. રોહિતે ત્રણ મહિના સુધી દરરોજ ત્રણ કલાક પરસેવો પાડયો હતો. તેણે તનતોડ મહેનત કરી હતી. આ પ્રકારે દરરોજ ત્રણ કલાક મતલબ કે સપ્તાહમાં તેણે 21 કલાક ફિટનેસ પાછળ ફાળવ્યા હતા. આ રીતે 12 સપ્તાહની ગણતરી કરવામાં આવે તો 252 કલાક સુધી વજન ઉતારવા માટે કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે વડાપાંઉનો પણ ત્યાગ કર્યો હતો.
