સાત ફેરા વગરના હિંદુ લગ્ન અમાન્ય : સુપ્રીમ કોર્ટ
લગ્ન એ માત્ર ખાવુ-પીવુ કે નાચવુ-ગાવુ જ નથી, દહેજ કે ભેટની લેવડદેવડ નથી પણ પવિત્ર બંધન છે
હિંદુ રીતિ-રિવાજથી થતા લગ્નમાં ધાર્મિક વિધિ અને પવિત્રતાના મહત્ત્વને અંગે ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે, હિંદુ લગ્ન એક સંસ્કાર છે અને લગ્ન એ માત્ર ખાવુ-પીવુ કે નાચવુ-ગાવુ જ નથી, દહેજ કે ભેટની લેવડદેવડ નથી પણ પવિત્ર બંધન છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ લગ્નમાં સાત ફેરાની વિધિ થતી નથી અને માત્ર રજિસ્ટ્રેશન થાય છે તો આ લગ્ન માન્ય ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હિંદુ લગ્નને માન્ય ગણવા માટે તેને સપ્તપદી (પવિત્ર અગ્નિના ચારેબાજુ ફેરાના સાત ચરણ) જેવા ઉચિત સંસ્કાર અને સમારોહ સાથે કરવામાં આવ્યા જોઈએ અને વિવાદ મામલે આ સમારોહના પુરાવા પણ મળે છે.
જસ્ટિસ બી નાગરત્નાએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, હિંદુ વિવાહ એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થાના રૂપમાં દાખલ કરવામાં આવવો જોઈએ. આ કારણે અમે યુવા પુરુષો અને મહિલાઓથી આગ્રહ કરીએ છીએ કે તે લગ્નની સંસ્થામાં પ્રવેશ કરતા પહેલા તેના વિશે વિચારે અને ભારતીય સમાજમાં તે સંસ્થા કેટલી પવિત્ર છે, તેના પર વિચાર કરે.
તેમણે કહ્યું, લગ્ન એ ‘ગીત અને નૃત્ય’ અને ‘દારૂ પીવા’ અને ‘જમવાનું’નું આયોજન નથી અથવા અનુચિત દબાણ દ્વારા દહેજ અને ભેટોની માંગણી કરવી અને લેવડદેવડ કરવાનો પ્રસંગ નથી. જે બાદ કોઈપણ સંજોગોમાં ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાય છે. લગ્ન એ કોઈ વ્યાપારી લેવડદેવડ નથી, તે ભારતીય સમાજની એક મહત્વપૂર્ણ આયોજન છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જે ભવિષ્યમાં વધતા પરિવાર માટે પતિ-પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરશે.
બેન્ચે કહ્યું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 8 હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન જરૂરી છે અને આ એ વાતનો પુરાવો છે કે લગ્ન કલમ 7 હેઠળ હિંદુ રીતિ-રિવાજો અનુસાર થયા છે. કલમ 5 જણાવે છે કે સેક્શન 7 ની જોગવાઈઓ અનુસાર લગ્ન રિવાજો અને ધાર્મિક વિધિઓ અનુસાર થવા જોઈએ. જો કોઈ લગ્નમાં તેની ગેરહાજરી જોવા મળે તો આવા લગ્નને કાયદાની દૃષ્ટિએ હિન્દુ લગ્ન ગણવામાં આવશે નહીં.