હિમાચલ ખેદાનમેદાન : ફરી વાદળ ફાટતા હાહાકાર, મંડી, ચંબામાં અનેક રસ્તા ધોવાયા, મૃત્યુ આંક 74 થયો, જનજીવન અસ્તવ્યસ્ત
હિમાચલ પ્રદેશ ઉપર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. ત્રણ દિવસ પહેલા એક જ દિવસમાં મંડી જિલ્લામાં 16 સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાએ ભારે તારાજી સર્જી હતી અને અનેક લોકો મોતને ભેટ્યા હતા. હજુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ રાહત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે રવિવારે ફરી એક વખત ચંબામાં વાદળ ફાટતા ભારે તારાજી થઇ છે.
A #cloudburst in the Bagheigarh stream in #chamba district has damaged a bridge on the Nakrod-Chanju main road.
— The Environment (@theEcoglobal) July 6, 2025
Villages including Charada, Chanju, Dehra, and Bagheigarh have been completely cut off from road connectivity.#himachalfloods #floods pic.twitter.com/kye5GTNjYv
ચંબાના પધ્ધર તાલુકાના ચૌહારઘાટી વિસ્તારમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે. ચાર પુલનું ધોવાણ થઇ ગયું છે. 261 થી વધુ રસ્તાઓ ધોવાયા છે. આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં હિમાચલમાં મૃત્યુઆંક વધીને 74 થયો છે. 70થી વધુ લોકો હજી ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની બચાવ ટુકડી સતત બચાવ કામગીરી હાથ ધરી છે.

ચંબા જિલ્લામાં ભયાવહ રીતે આકાશમાંથી આફત વરસી રહી છે. નાકોર્ડ-ચંજુ રસ્તા નજીક આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયુ છે. લોખંડનો બ્રિજ તણાઈ ગયો છે. રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહન ખોરવાયું છે. અનેક સ્થળોએ ભુસ્ખલનની ઘટના બની રહી છે. જો કે, કોઈ નવી જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

હિમાચલમાં અતિ ભારે વરસાદના કારણે 541 કરોડથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપ્યો છે. જો કે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદના કારણે નુકસાનનો આંકડો 700 કરોડ નજીક પહોંચ્યો છે. 258 પાવર ટ્રાન્સફોર્મર અને 289 જળ પુરવઠો યોજનાઓ અસરગ્રસ્ત થઈ છે. 20 જૂનથી વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુલ 74 લોકોના મોત થયા છે. 115થી વધુ ઘાયલ છે. જ્યારે 70 લોકો ગુમ છે.
આ પણ વાંચો : ગજબ : રાજકોટમાં ઝૂપડામાં રહેતી શ્રમિક મહિલાએ મોબાઈલ ચોરીની નોંધાવી E-FIR ! પોલીસ પણ થઈ ગઈ આશ્ચર્યચકિત
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 15 દિવસથી આકાશમાંથી વરસી રહેલી આફત મુદ્દે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. આગામી બુધવાર સુધી ચંબા, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલા, સિરમોર અને મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ નવ જિલ્લામાં વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.