રાજસ્થાનના બે શહેરોમાં ભારે ટેન્શન, હંગામો
ઉદયપુરમાં સ્ટુડન્ટને છરી મારનાર યુવકના ઘર પર બુલડોઝર ચાલ્યું : જયપુરમાં યુવકની હત્યાને પગલે બબાલ, ઈન્ટરનેટ બંધ ; પોલીસ ગોઠવાઈ
રાજસ્થાનના બે શહેરો ઉદયપુર અને જયપુરમાં બે હિચકારી ઘટનાઓને પગલે બંને શહેરોમાં ભારે તનાવ ફેલાયો હતો. ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જણાવાયું હતું. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી.
એ જ રીતે જયપુરમાં એક સ્કૂટર અને ઇ રિક્ષા વચ્ચે થયેલા અકસ્માત બાદ થયેલી અથડામણમાં સ્કૂટી ચાલક યુવકને માર મારીને પતાવી દેવાતાં શહેરમાં ભારે હંગામો મચી ગયો હતો અને લોકો સડક પર આવી ગયા હતા. બંને શહેરોમાં મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આરોપીના ઘર પર બુલડોઝર
ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું હતું. આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતા હતા. એક સ્ટુડન્ટને એક યુવકે ચાકુ મારી દીધા બાદ વાતાવરણ તંગ બન્યું હતું.
જયપુરમાં પણ હત્યાના બનાવના વિરોધમાં લોકો સડક પર આવી ગયા હતા અને પોલીસે મામલો થાળે પાડી બધાને ઘરે ચાલ્યા જવા સમજાવ્યા હતા. બંને શહેરોમાં તંગદિલી દેખાતા ચારેકોર મજબૂત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.