જમ્મુ- કાશ્મીર સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા: શિમલામાં બરફનું તોફાન,વૈષ્ણોદેવીની યાત્રા કરાઇ સ્થગિત
ઉત્તર ભારતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં જોરદાર બરફ વર્ષા થઇ છે. આ તાજી બરફ વર્ષાને લીધે હાડ થીજાવતી ઠંડી પણ શરુ થઇ ગઈ છે. બીજી તરફ દિલ્હી , એન.સી.આર અને નોઇડા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાનમાં આ ફેરફાર આવનારા ત્રણથી ચાર દિવસ સુધી યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. જમ્મુના કટરા વિસ્તારમાં ભારે બરફવર્ષાને પગલે પગલે વૈષ્ણોદેવી યાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના રામબન, ડોડા, કિશ્તવાડ, પૂંછ, રાજોરી, રિયાસી, ઉધમપુર અને કઠુઆ જિલ્લામાં ભારે બરફ પડ્યો છે. ઉત્તરાખંડનાં મસુરી, ધનોલ્ટી, ગંગોત્રી, ટિહરી ઉપરાંત હિમાચલના શિમલા, મનાલી, કુફરી, ડેલહાઉઝી સહિતના વિસ્તારમાં બરફ પડી રહ્યો છે. શિમલા સહિતના વિસ્તારમાં મૌસમની આ પહેલી બરફ વર્ષા છે. એક તરફ પ્રવાસીઓ આનંદ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે યલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે. અનેક વિસ્તારમાં બરફના તોફાને મુશ્કેલી વધારી છે.
જમ્મુના કટરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ માતા વૈષ્ણોદેવી માર્ગ બંધ કર્યો છે. યાત્રાળુઓને કટરામાં જ રોકવામાં આવ્યા છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી કોઈપણ યાત્રાળુઓને બેઝ કેમ્પથી મંદિર તરફ જવાની મંજુરી આપવામાં આવશે નહીં. હવામાન સાફ થયા બાદ જ અધિકારીઓ યાત્રા શરુ કરવા અંગે નિર્ણય લેશે. અત્યારે તો માતા વૈષ્ણોદેવી મંદિર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે.
આ પણ વાંચો :10 ગ્રામ સોનુ પકડે તો ઇનામ માત્ર 300 રૂપિયા…અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓને ઇનામમાં ‘નામ પૂરતું’ વળતર
અહેવાલ મુજબ 24 કલાકમાં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં 77 મીમી, જમ્મુમાં 69 મીમી, કઠુઆમાં 79 મીમી, સાંબામાં 63 મીમી, રાજૌરીમાં 56 મીમી, શ્રીનગરમાં 37 મીમી અને કાઝીગુંડમાં 45 મીમી વરસાદ નોંધાયો છે.
ગુલમર્ગમાં 45 સેમી, શોપિયાંમાં 55 સેમી, સોનમર્ગમાં 15 સેમી, પહેલગામમાં 17 સેમી, કુપવાડામાં 20 સેમી, બનિહાલમાં 16 સેમી અને કુલગામમાં 15 સેમી બરફ પડ્યો છે.
વસંત પંચમીના દિવસે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઇ છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી ધામમાં ભારે બરફ પડ્યો છે. આ બરફ વર્ષને લીધે કડકડતી ઠંડી ફરી શરુ થઇ છે. હવામાન ખાતાએ આગામી ૨૮ જાન્યુઆરી સુધી આવો જ માહોલ રહેવાની આગાહ કરી છે.
