જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, વાંચો કેટલા લોકોને એરલીફ્ટ કરાયા
- સૈનિકો 24 કલાક એલર્ટ મોડ પર : ગુલમર્ગમાં ૯ સભ્યોની સ્કી ટીમને બચાવાઈ
- દિલ્હીમાં વરસાદ પછી ઠંડીનું જોર વધ્યું, હવામાન ખાતાનું યેલો એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે ભારે હિમવર્ષા બાદ કુપવાડા અને બાંદીપોરામાં 24 કલાક દરમિયાન સેના અને સિવિલ એડમિનિસ્ટ્રેશને હેલિકોપ્ટર દ્વારા બે નવજાત શિશુઓ સહિત છ દર્દીઓને એરલિફ્ટ કરીને જીવ બચાવ્યા હતા. જેમાં અન્ય 12 લોકોને ગુરેઝ અને કર્નાહથી બાંદીપોરા અને કુપવાડા ખસેડવામાં આવ્યા હતા.
સેનાની રેસ્ક્યુ ટીમ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ગુલમર્ગના ઉપરના વિસ્તારમાં હિમવર્ષામાં ફસાયેલ નવ સભ્યોની સ્કી ટીમને પણ સુરક્ષિત રીતે બચાવવામાં આવી છે. હિમવર્ષા પ્રભાવિત વિસ્તારોમાં સેના અને પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના હવામાનની વાત કરીએ તો, પર્વતીય વિસ્તારો સહિત કેટલાક નીચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. શ્રીનગરમાં દિવસ દરમિયાન હળવી હિમવર્ષા થઈ હતી. જમ્મૂ સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વાદળ છવાયેલા રહ્યા અને હળવો વરસાદ પણ થયો.
નવી દિલ્હીમાં રવિવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે સવારે ઠંડી વધી ગઈ હતી. સવારે 7.30 વાગ્યા સુધી તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 19 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 5 અને 6 ફેબ્રુઆરીએ ફરી ધુમ્મસ જોવા મળી શકે છે. 7 ફેબ્રુઆરીએ ઠંડો પવન ફુંકાવાની પણ આગાહી છે. દિલ્હી એનસીઆર સહિત ચંડીગઢમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડીમાં વધારો થયો હતો.