CAA સામે થયેલી તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આ તારીખે સુનાવણી..જુઓ
નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. સુપ્રિમ કોર્ટ આ અરજીઓ પર 19 માર્ચે સુનાવણી કરશે.
કેન્દ્ર સરકારે CAA માટે નિયમો જારી કર્યાના એક દિવસ પછી, કેરળ સ્થિત રાજકીય પક્ષ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગએ નિયમોના અમલીકરણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કેરળ સ્થિત રાજકીય પક્ષે માંગ કરી હતી કે આ કાયદાને પ્રતિબંધિત કરવાની જરૂર છે અને મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ સામે કોઈ કઠોર પગલાં લેવા જોઈએ નહીં. ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, આસામ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેબબ્રત સૈકા અને આસામના કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિક અને અન્યોએ પણ નિયમો પર સ્ટે માંગતી અરજીઓ દાખલ કરી હતી.
અરજીમાં જણાવાયું છે કે, આ કાયદા સ્પષ્ટપણે મનસ્વી છે અને વ્યક્તિઓના એક વર્ગની તરફેણમાં માત્ર તેમની ધાર્મિક ઓળખના આધારે અયોગ્ય લાભ ઊભો કરે છે, જે ભારતીય બંધારણની કલમ 14 અને 15 હેઠળ માન્ય નથી.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે CAA ધર્મના આધારે ભેદભાવ કરે છે, તેથી તે ધર્મનિરપેક્ષતાના મૂળ પર હુમલો કરી રહ્યું છે, જે બંધારણની મૂળભૂત રચના છે.
આ કાયદો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારથી ભાગી ગયેલા અને 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આશ્રય લેનારા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાનો પ્રયાસ કરે છે.
