પ્રેમિકાની હત્યા કરી લાશ ફ્રીઝમા સંતાડી દીધી: 10 મહિને ભાંડો ફૂટ્યો
મધ્યપ્રદેશના દેવાસ શહેરમાં એક પરિણીત શખ્સે લીવ ઇન રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાની હત્યા કરી 10 મહિના સુધી લાશ ફ્રીઝમાં સંતાડી રાખ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે સંસનાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉજ્જૈનનો સંજય પાટીદાર નામનો શખ્સ તેની પ્રેમિકા પ્રતિભા ઉર્ફે પીંકી પ્રજાપતિ સાથે 2023 ના જુલાઇ મહિનાથી દેવાસની વૃંદાવન ધામ કોલોનીમાં ધીરેન્દ્ર શ્રીવાસ્તવ નામની વ્યક્તિના મકાનમાં ભાડુઆત તરીકે રહેતો હતો.
થોડા મહિના પહેલા તેણે મકાન ખાલી કરી દીધું હતું પણ બે રૂમનો કબજો રાખી તેમાં કપડાં વડે ઢાંકેલું ફ્રીઝ અને અન્ય સમાન મૂકી એ બન્ને રૂમને તાળા લગાવી દીધા હતા.થોડા થોડા દિવસે આવી ને તે રૂમ ચેક કરી જતો હતો.
દરમિયાનમાં વીજળી ગુલ થતાં ઘરમાં બદબુ શરૂ થયા બાદ મકાન માલિકે એ રૂમ ખોલી તપાસ કરતા ફ્રીઝમાંથી હાથ પગ બાંધેલી પ્રતિભાની લાશ મળી આવી હતી.આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ સંજય પાટીદારને ઝડપી લીધો હતો.બાદમાં તેણે કરેલી કબૂલાત મુજબ તે પ્રતિભા સાથે છેલ્લા પાંચ વર્ષથી લીવ ઇન રીલેશનશીપ માં રહેતો હતો પણ પ્રતિભાએ લગ્ન માટે દબાણ કરતા માર્ચ મહિનામાં તેણે તેના વિનોદ દવે નામના મિત્રની મદદથી ગળું દાબી પ્રતિભાની હત્યા કરી લાશને ફ્રિઝમાં સંતાડી દીધી હતી.વિનોદ દવે હાલમાં એક ગુના સબબ રાજસ્થાનના ટોંકમાં જેલવાસ ભોગવતા હોવાનું ખુલતા તેની ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.