કોંગી કાર્યકર હિમાનીની હત્યાનો ભેદ ઉકેલાયો : સચિન નામનો પ્રેમી દિલ્હીથી ઝડપાયો, વાંચો કેમ આપ્યો હતો હત્યાને અંજામ ?
હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યા બાદ મૃતદેહને સૂટકેસમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સોમવારે પોલીસે હત્યાકાંડ મામલે બહાદુર ગઢના રહેવાસી સચિન નામના એક યુવકની ધરપકડ કરી હતી. હિમાની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ જોડાઈ હતી. જો કે આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું ખૂલ્યું છે. હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે . આરોપી દિલ્હીથી જ ઝડપાઇ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી હતી. જે સૂટકેસમાં હિમાનીની લાશ મળી હતી, તે સૂટકેસ પણ હિમાનીના ઘરનું જ હતું. હત્યારો હિમાનીનો ઓળખીતો છે. આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. પોલીસે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી.
પોલીસ સમક્ષ આરોપીએ દાવો કર્યો હતો કે, ‘હું હિમાની સાથે રિલેશનશિપમાં હતો અને તે મને બ્લેકમેલ કરી રહી હતી. તે મારી પાસેથી લાખો રૂપિયા પણ ખંખેરી ચુકી છે.’ પોલીસે સમગ્ર મામલે જણાવ્યું કે, આ મામલે તપાસ શરૂ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ મોતના સાચા કારણ વિશે જાણ થશે.
હિમાની નરવાલના ભાઈ જતિને કહ્યું કે, ‘એક આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને આજે અમે હિમાનીનો અંતિમ સંસ્કાર કરીશું. મીડિયામાં અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પરંતુ, અમને ન્યાય મળશે. અમને હજુ પણ નથી ખબર કે આરોપી કોણ છે, પોલીસે અમને હજુ સુધી કોઈ જાણકારી નથી આપી. પરંતુ, અમે આરોપી માટે મોતની સજાની માંગ કરીએ છીએ.’