હમાસે છેલ્લો આશરો પણ ગુમાવી દીધો !! નેતાઓને બિસ્તરા પોટલાં બાંધવા કતારનો આદેશ
ઇઝરાયેલ સામે જંગે ચડેલા હમાસે હવે છેલ્લો આશરો પણ ગુમાવી દીધો છે. અત્યાર સુધી કતારમાંથી હમાસનું સંચાલન કરતા નેતાઓને કતાર સરકારે બિસ્તરા પોટલા બાંધી રવાના થઈ જવાનો આદેશ કરતા હમાસની સ્થિતિ વધુ કફોડી બની છે.
ઇઝરાયેલી અખબારોના જણાવ્યા અનુસાર યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિ માટે અમેરિકા સહિતના રાષ્ટ્રોના અંતિમ પ્રયાસો પણ નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ કતારનું નાક દબાવ્યું હતું અને દોહામાં હમાસના નેતાઓની ઉપસ્થિતિ સ્વીકાર્ય ન હોવાની ચેતવણી આપી હતી.
નોંધનીય છે કે 2012માં સીરિયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હમાસના ટોચના નેતાઓને કતારમાં આશરો આપવામાં આવ્યો હતો. હમાસની રાજકીય ઓફિસ પણ દોહામાં કાર્યરત હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ સમજૂતી માટેના પ્રયાસોમાં કતારની કેન્દ્રસ્થ ભૂમિકા હતી. જોકે હમાસના નેતાઓના જીદ્દી વલણને કારણે એ સમજૂતી શક્ય ન બનતાં અમેરિકાના દબાણ હેઠળ હમાસનો સાથ છોડવા માટે કતાર મજબૂર બન્યું હતું.