હમાસે વધુ બે વયોવૃદ્ધ બંધક મહિલાને મુક્ત કરી
ઇજિપ્તની સરહદે થી ઇઝરાયેલને સોંપણી કરવામાં આવી.
જોકે બંનેના પતિ હજુ પણ હમાસની કેદમાં
હમાસે યુદ્ધના 18 માં દિવસે મંગળવારે વધુ બે બંધક મહિલાઓને મુક્ત કરી હતી. 79 વર્ષના નુરીત કુપર અને 85 વર્ષના યોઝવેદ લકસિત્ઝ ની ઇજિપ્તની ફરાહ સરહદે રેડક્રોસ દ્વારા ઇઝરાયેલી સેનાને સોંપણી કરવામાં આવી હતી. બાદમાં બંને મહિલાઓને હેલિકોપ્ટર દ્વારા તેલ અવિવ લાવી અને તબીબી ચેકિંગ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બંને મહિલાઓ મુક્તિ પહેલા હમાસના આતંકીઓ સાથે વાતો કરતા હોય, હસ્તધૂનન કરતા હોય અને એકબીજાને ‘ શોલેમ ‘ કહેતા હોય તેવા દ્રશ્યો વાયરલ થયા હતા. આ બંને મહિલાઓના સાતમી ઓક્ટોબરે નીલ ઓઝ વસાહત માંથી અપહરણ કરવામાં આવ્યા હતા. આ મહિલાઓ તો મુક્ત થઈ પરંતુ તેમના 84 અને 83 વર્ષના પતિઓ હજુ પણ હમાસની કેદમાં છે. નોંધનીય છે કે આ અગાઉ શુક્રવારે પણ હમાસે એક મહિલા અને તેની પુત્રીને મુક્ત કર્યા હતા.
એક મહિલાએ ઘટના વર્ણવી
યોઝવેદ લકસિત્ઝ એ જણાવ્યું કે મને બાઈક ઉપર બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું. એક શખ્સે પાછળ બેસીને મને પકડી રાખી હતી જેથી હું પડી ન જાઉં. ગાઝા બોર્ડર ક્રોસ કર્યા બાદ મને અબસાન અલ કબીરા નામના ગામમાં રાખવામાં આવી હતી. તે પછી મને ક્યાં લઈ ગયા તે ખબર નથી.
ડીઝલના વાંકે 50 બંધકોની મુક્તિ અટકી?
ચર્ચાતી વિગત મુજબ હમાસે હોસ્પિટલો માટે ડીઝલના બદલામાં 50 બંધકોને મુક્ત કરવાની તૈયારી દેખાડી હતી પરંતુ ઇઝરાયેલના અક્કડ વલણને કારણે એ સમજૂતી શક્ય નહોતી બની. હમાસના કબજામાં હજુ પણ 220 બંધકો છે અને તેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. એ બંધકોની મુક્તિ ન થાય ત્યાં સુધી જમીની હુમલો અટકાવવાની અમેરિકાએ ઇઝરાયેલને સૂચના આપી હોવાનું માનવામાં આવે છે.