પાકિસ્તાનમાં EVM હોત તો ચૂંટણીમાં ગેરરીતિ ન થઈ હોત : ઈમરાનખાન
જનાદેશ સાથે છેડછાડ કરનારા સામે દેશદ્રોહ હેઠળ કાર્યવાહીની કરી માંગ
પાકિસ્તાનમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થઇ ગયાને ઘણો સમય પસાર થઇ ગયો છે અને વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિની વરણી પણ થઇ ગઈ છે પણ હજુ ઇમરાનખાનને આ ચૂંટણીમાં મળેલો પરાજય પચ્યો નથી. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા પછી હવે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. જેલમાં રહેલા ઇમરાને કહ્યું છે કે જો પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હોત તો ચૂંટણીમાં આવો ભ્રષ્ટાચાર થયો ન હોત.
અદિયાલા જેલમાં બંધ પીટીઆઈના સ્થાપકે કહ્યું, “જો આજે ઈવીએમ હોત, તો મતદાનની ગેરરીતિના તમામ મુદ્દાઓ એક કલાકમાં ઉકેલાઈ ગયા હોત.” ઈમરાને કહ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પંચ, કેટલાક રાજકીય પક્ષો અને સંસ્થાઓએ દેશમાં ઈવીએમ દાખલ કરવાની યોજનાને બરબાદ કરી દીધી.
પત્રકારો સાથે વાત કરતી વખતે ઇમરાને કહ્યું કે સામાન્ય ચૂંટણીમાં જાહેર જનાદેશ સાથે છેડછાડ કરનારા સામે દેશદ્રોહ હેઠળ કાર્યવાહી થવી જોઈએ. ઇમરાને અમેરિકામાં IMF ઓફિસની બહાર દેખાવોનું સમર્થન કર્યું હતું.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વિશે વાત કરતા ઇમરાને કહ્યું કે હાલની સરકાર માટે મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને સંભાળવી અશક્ય છે. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો કે તેમની પાર્ટીએ આર્થિક સંકટમાં દેશ છોડી દીધો. ઈમરાન ખાને કહ્યું કે જ્યારે 2018માં PML-Nએ સરકાર છોડી ત્યારે વેપાર ખાધ $20 બિલિયન સુધી પહોંચી ગઈ હતી અને અમારી પાસે IMF પાસે જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.