જ્ઞાનેશ કુમારે 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો, મતદાન અને રાષ્ટ્રનિર્માણ બાબતે જાણો શુ કહ્યું ??
જ્ઞાનેશ કુમારે બુધવારે 26મા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જ્ઞાનેશ કુમાર માર્ચ 2024 થી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા અને સોમવારે તેમને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવી. મંગળવારે રાજીવ કુમાર નિવૃત્ત થયાના એક દિવસ પછી જ્ઞાનેશ કુમારને ચૂંટણી પંચના વડાની જવાબદારી સોંપવામાં આવી છે. સુખબીર સિંહ સંધુ ચૂંટણી કમિશનર છે, જ્યારે વિવેક જોશીને સોમવારે ચૂંટણી કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
જ્ઞાનેશ કુમારે 26મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સ્થાન લેશે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, જ્ઞાનેશ કુમાર પાસે હવે મતદારો માટે એક સંદેશ છે.
જ્ઞાનેશ કુમારે શું કહ્યું ?
રાષ્ટ્ર નિર્માણ માટેનું પહેલું પગલું મતદાન છે અને ભારતના દરેક નાગરિક કે જેમણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે તેમણે મતદાર બનવું જોઈએ અને હંમેશા મતદાન કરવું જોઈએ.
‘ચૂંટણી પંચ મતદારો સાથે છે’
જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતના બંધારણ, ચૂંટણી કાયદા, નિયમો અને તેમાં જારી કરાયેલા સૂચનો અનુસાર, ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે હતું, છે અને રહેશે.
તેઓ આગામી 4 વર્ષ સુધી આ પદ પર રહેશે. આ સાથે, તેમની સામે ઘણા પડકારો છે, જેમાં વિપક્ષનો વિશ્વાસ મેળવવો મુખ્ય છે. તે જ સમયે, ચૂંટણી કમિશનર વિવેક જોશીએ પણ પોતાનું પદ સંભાળી લીધું છે.
જ્ઞાનેશ કુમાર કોણ છે?
• જ્ઞાનેશ કુમાર ૧૯૮૮ના કેરળ કેડરના અધિકારી રહ્યા છે.
• ચૂંટણી પંચમાં નિમણૂક પહેલાં, તેમણે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, સંસદીય બાબતોના મંત્રાલય અને સહકાર મંત્રાલયમાં સંયુક્ત સચિવથી લઈને સચિવ સુધીના વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે.
• તેમણે કેરળ સરકારના વિવિધ વિભાગોમાં સહાયક કલેક્ટરથી લઈને સચિવ પદ સુધી કામ કર્યું.
પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સમિતિએ લીધો નિર્ણય
સોમવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ જ્ઞાનેશ કુમારના નામની ભલામણ કરી હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી હતી. રાજીવ કુમાર મંગળવાર, 18 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થયા. રાજીવ કુમાર પછી જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે.
આ વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તે જ સમયે, 2026 માં પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે, તેઓ આ ચૂંટણીઓનો હવાલો સંભાળશે. ચૂંટણી કમિશનર તરીકે તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધીનો છે.