વિધાનસભામાં ગુજરાત દુકાન-સંસ્થા (સુધારા) બિલ પસાર: દૈનિક કામના કલાકોની મર્યાદામાં 1 કલાક અને ઓવરટાઈમમાં 19 કલાકનો વધારો
વિધાનસભા ગૃહમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજ્યપત્રમાં અગાઉ પ્રસિદ્ધ થયેલા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમમાં સુધારા ખરડો આજે રજૂ કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે પસાર થયો હતો.
કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ, ૨૦૧૯માં કામદારોની કામની સ્થિતિમાં સુધારો કરવા, સ્ત્રીઓ માટે નોકરીની વધુ તકો ઊભી કરવા, ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા, વર્ષમાં 365 દિવસ સંસ્થા ચલાવવાની અને સંસ્થા ખોલવાના અને બંધ કરવાના સમયની સ્વતંત્રતાનો, સ્ત્રીઓને પૂરતી સુરક્ષા અને સલામતીની જોગવાઇઓ સાથે રાતપાળી દરમિયાન કામ કરવાની પરવાનગી, ઓનલાઇન રજિસ્ટ્રેશન જેવી વિવિધ જોગવાઇ કરવામાં આવી છે.
આ સુધારાથી કાયદો લાગુ કરવાની જોગવાઈમાં અગાઉ 10 કે તેથી વધારે કામદારોને બદલે હવે 20કે તેથી વધારે કામદારો ધરાવતી દુકાનો અને સંસ્થાઓને આ કાયદો લાગુ પડશે. આમ, જે દુકાનો અને સંસ્થાઓમાં ૨૦થી ઓછા શ્રમયોગીઓ–કર્મચારીઓ કામ કરતા હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ આ કાયદા હેઠળ નોંધણી કરાવવી જરૂરી નથી, પરંતુ ઓનલાઈન જાણ કરવાની રહેશે. જેના પરિણામે હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સને આગળ વધવામાં વેગ મળશે.
તેમણે કહ્યું હતું કે, સંસ્થાઓના કામકાજના કલાકોમાં વધારો કરવાથી ગ્રાહક સુવિધામાં વધારો થશે. આમ, આર્થિક પ્રવૃત્તિને વેગ મળે અને દેશના આર્થિક વિકાસમાં વધારો કરવાના આશયથી આ સુધારાથી દૈનિક કામના કલાકોની મર્યાદામાં ૯ કલાકથી વધીને 10 કલાક કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સળંગ કામના કલાકોની મર્યાદા પણ ૫ કલાકથી વધીને ૬ કલાક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓવરટાઇમ કામ કરવાની મહત્તમ મર્યાદા, ત્રણ મહિનામાં કુલ 125કલાક હતી, જે હવેના સુધારામાં વધારીને કુલ 144કલાક કરવામાં આવી છે, જેનાથી ઉત્પાદકતામાં વધારો થશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આજના આધુનિક સમયમાં દેશના આર્થિક વિકાસમાં મહિલાઓનું પ્રદાન ઝડપભેર વધી રહ્યું છે. મહિલા શ્રમયોગીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા મહિલાઓને આરામ માટેના રૂમ, રાત્રિ ઘોડીયાઘર, મહિલા માટેના શૌચાલય, તેમના ગૌરવ, સન્માન અને સલામતીના યોગ્ય રક્ષણ, જાતીય સતામણીથી રક્ષણ તેમજ સંસ્થાથી તેમના નિવાસ સ્થાન સુધી તેમને લાવવા-લઇ જવાની વ્યવસ્થા માલિક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય એવી દુકાન અથવા સંસ્થામાં મહિલા શ્રમયોગીને રાત્રિના 9કલાકથી સવારના 6 કલાક વચ્ચેના સમયમાં કામ કરવાની પરવાનગી આપી શકાશે.
