GSTનો 12 અને 18 ટકાનો સ્લેબ સમાપ્ત થશે : સરકારના પ્રસ્તાવનો મંત્રીઓના જૂથે કર્યો સ્વીકાર; જનતા માટે સારા દિવસો આવવાનો માર્ગ ખૂલ્યો
મોદી સરકાર દેશના સામાન્ય વર્ગ અને વેપારી વર્ગને રાહત આપવા માંગે છે અને તે દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનો GST સ્લેબમાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની ગુરુવારે મળેલી બેઠકમાં સ્વીકારવામાં આવ્યો હતો. દિવાળી સુધીમાં GSTનો 12 ટકા અને 28 ટકાનો સ્લેબ દૂર થવાની સંભાવના પ્રબળ બની છે.
કેન્દ્ર સરકારના GST સ્લેબમાં સુધારાના પ્રસ્તાવને ગુરુવારે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હટી. કેન્દ્ર સરકારે GSTના સ્લેબ ચારથી ઘટાડી બે કરવા ભલામણ કરી હતી. GSTમાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ ચાર સ્લેબ લાગુ છે. જે ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની દરખાસ્ત થઈ હતી. સાથે આરોગ્ય અને જીવન વીમા પણ સસ્તા કરવાની યોજના છે.
બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળ યોજાયેલી છ સભ્યોના મંત્રી જૂથે કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ટેક્સ સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવાની માગ સ્વીકારી છે. તેમજ લકઝરી અને હાનિકારક પદાર્થો પર GST 40 ટકા લાગુ કરવાની ભલામણને પણ મંજૂરી આપી છે.
બેઠકમાં ઉત્તર પ્રદેશના નાણા મંત્રી સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ, પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય, કર્ણાટકના રેવેન્યુ મંત્રી ક્રિષ્ના ગોવડા, અને કેરળના નાણા મંત્રી કેએન બાલાગોપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકને નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંબોધી હતી.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે ગોમની બેઠકને સંબોધતા કહ્યું હતું કે, GSTના દરોમાં સુધારો સામાન્ય પ્રજા, ખેડૂતો, મધ્યમ વર્ગ તેમજ એમએસએમઈને મોટી રાહત આપશે. જે કરમાળખામાં સુલભતા અને પારદર્શકતા વધારશે. તેમજ દેશના વિકાસને વેગ આપશે.
