નવા બીએનએસ કાયદાને લઈ જીએસટી તપાસ-દરોડાને બ્રેક જેવી સ્થિતિ
ભારતીય ન્યાય સંહિતા અમલી બનતા અન્વેષણ ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ ફરજીયાત કરવામાં આવે તેવા સંકેત
રાજકોટ : છેલ્લા થોડા સમયથી રાજકોટ સહિત રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ એટલે કે, જીએસટી વિભાગમાં દરોડા, તપાસ અને સર્વે સહિતની કામગીરી ઉપર રોક લાગી હોય તેવી સ્થિતિ વચ્ચે જીએસટી તપાસ અને દરોડાની કાર્યવાહીમાં બદલાવ આવી રહ્યા હોવાના સંકેતો ઉચ્ચ અધિકારીઓ તરફથી મળી રહ્યા છે, ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવા ભારતીય ન્યાય સંહિતા કાયદાના અમલ બાદ જીએસટીના અન્વેષણ સહિતની કામગીરીમાં ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ ફરજીયાત કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે અને નીતિ વિષયક બાબત અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી કામગીરી મંદ પડી હોવાનું પણ સ્વીકાર્યું હતું.
દેશભરમાં ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઇપીસીને બદલે અમલી બનેલ ભારતીય ન્યાય સંહિતા કાયદાનો અમલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગમાં પણ લાગુ પડતો હોવાથી જીએસટી દરોડા, અન્વેષણ, તપાસ જેવી બાબતોમાં ફેરફારો આવી રહ્યા છે, જીએસટીના ટોચના અધિકારીઓએ સંકેતો આપ્યા હતા કે નવો બીએનેએસ કાયદો અમલી બનતા હવેથી જીએસટી વિભાગને દરોડા અને અન્વેષણ જેવી કાર્યવાહી માટે ઓડિયો -વિડીયો રેકોર્ડિંગ ફરજીયાત બનાવવામાં આવશે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બીએનએસ કાયદાના અમલને લઇ બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
બીજી તરફ બીએનએસ કાયદાની અમલવારી બાદ હાલમાં રાજકોટ સહીત રાજ્યભરમાં જીએસટીના દરોડા, તપાસ સહિતની કામગીરીને પણ અસર પડી હોય તેમ છેલ્લા ઘણા સમયથી જીએસટી વિભાગની દરોડાની કામગીરી મંદ પડી ગઈ છે અને હવે જીએસટી દરોડા અન્વેષણની કાર્યવાહી માટે બીએનેસ કાયદાને સુસંગત થઇ કાર્યવાહી કરવા માટે નીતિ નક્કી થયા બાદ જ તંત્ર આ દિશામાં આગળ વધે તેમ હોવાના સંકેતો પણ સૂત્રોએ આપ્યા હતા.