યુવાઓ, વડીલો અને વેપારીઓ પર સરકારનું ફોકસ : રાષ્ટ્રપતિ
બજેટ સત્રના પ્રારંભે દ્રૌપદી મુર્મુએ સરકારની સિધ્ધિઓ વર્ણવી અને ભાવિ યોજનાઓ
લોકસભાના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અને તેના ભવિષ્યના પ્લાનિંગની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશનો સર્વાંગી વિકાસ કરી રહી છે અને દરેક વર્ગનાં ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. યુવાઓ, વડીલો અને વેપારીઓ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે, એમ પણ તેમણે કહ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પોતાના સંબોધનમાં સરકારલક્ષી યોજનાઓની સફળતા અને દેશના વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશનું એવિયેશન સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે. દેશની વિવિધ એરલાઈન કંપનીઓએ 1700થી વધુ નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે.
તેમણે આવાસ યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ કિસાન, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના, ઈ-ગ્રામ સ્વરાજ યોજના, વંદે ભારત, વન નેશન વન ઈલેક્શન, વિકસિત ભારત, પીએમ ઉજ્જવલા યોજના, લખપતિ દીદી, સૌભાગ્ય યોજના, રેરા, ઉડાન, 8મું પગાર પંચ અને યુપીએસ સહિતની સ્કીમની સફળતા અંગે માહિતી આપી. ડિજિટલ ક્ષેત્રે ભારતનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગ્રોથનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારીની તકો આપી છે. છેલ્લાં બે વર્ષમાં સરકારમાં બે લાખ સ્થાયી રોજગારી આપી છે. 2.5 કરોડને ગરીબીમાંથી મુક્ત કર્યા છે. દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપ છે. જે ઈનોવેશન સાથે ઊભરી રહ્યાં છે.
તેમણે તેમના સંબોધનમાંમાં મહાકુંભની નાસભાગની ઘટનામાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કરતાં મૌની અમાસે ઘાયલ થનારા લોકો જલદી સાજા થાય તેવી કામના કરી હતી.